સુરતમાં બંગલાના વેચાણ પેટે ધડુક બંધુએ રૂ. 60 લાખ મેળવી હાથ ઉંચા કર્યા
મોટા વરાછા-અબ્રામા રોડના સોદા ચિઠ્ઠી મુજબ દસ્તાવેજ કરવાનું કહેતા અમરેલી-લાઠી રોડના દલાલને તમાચો મારી મારી નાંખવાની ધમકી આપી
સુરત/ રાજકોટ : સુરતના મોટા વરાછા-અબ્રામા રોડના નંદ બંગ્લોઝનો રૂ. 1.57 કરોડોમાં વેચાણનો સોદો કરી રૂ. 60 લાખ પડાવી લીધા બાદ દસ્તાવેજ માટે ધક્કે ચડાવી દલાલને એક તમાચો મારી દઇ અમે કોઇ દસ્તાવેજ કરી આપવાના નથી એમ કહી મારી નાંખવાની ધમકી આપનાર ધડુક બંધુ વિરૂધ્ધ ઉત્રાણ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
અમરેલીના લાઠી રોડની કે.કે. પાર્ક સોસાયટીમાં રહેતા જમીન દલાલ ભરત મનુભાઇ ત્રાપસીયા (ઉ.વ. 49) એ પાંચેક મહિના અગાઉ મોટા વરાછા-અબ્રામા રોડ સ્થિત નંદ ચોક નજીક નંદ બંગ્લોઝનો ઘર નં. 43 નો રૂ. 1.57 કરોડમાં હર્ષદ ઘુસાભાઇ ધડુક પાસેથી ખરીદવાનો સોદો કર્યો હતો. બાના પેટે રૂ. 60,000 ચુકવી સોદા ચિઠ્ઠીમાં જમીન દલાલીનો વ્યવસાય કરતા ભરતના જમાઇ વિપુલ ગોટી ઉપરાંત અન્ય દલાલ મનિષ કોરાટ, બટુક કાકડીયા અને સુરેશ જોગાણીએ સહી કરી હતી. સોદા ચિઠ્ઠી મુજબ ભરત ત્રાપસીયાએ ટુકડે-ટુકડે રૂ. ૬૦ લાખ હર્ષદ ધડુકને ચુકવ્યા હતા અને પૈસા સ્વીકાર્યાની ડાયરીમાં પણ સહી પણ કરી હતી.
સોદા ચિઠ્ઠી મુજબ રૂ. 60 લાખ ચુકવ્યા બાદ દસ્તાવેજ કરી આપવાનું કહેનાર હર્ષદ ઘડુકે ધક્કે ચડાવ્યા હતા. ઉપરાંત મહિના અગાઉ પોતાના ઘરે વાત કરવાના બહાને બોલાવી બાકી પેમેન્ટની માંગણી કરી હતી પરંતુ દસ્તાવેજ બાદ પેમેન્ટ આપવાનું કહેતા હર્ષદ અને તેના ભાઇ સિધ્ધરાજ ધડુકે દલાલ સુરેશ જોગાણીને એક તમાચો મારી દઇ પૈસા ભુલી જજો, અમે કોઇ દસ્તાવેજ કરી આપવાના નથી એમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ભરત ત્રાપસીયાએ હર્ષદ અને સિધ્ધરાજ (બંને રહે. 43, નંદ બંગ્લોઝ, નંદ ચોક, અબ્રામા રોડ, મોટા વરાછા અને મૂળ. દાતરડી, તા. રાજુલા, અમરેલી) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુધનો વેપાર કરતા બંને ભાઇની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.