કેનેરા બેન્કના મેનેજર ની ઓળખ આપી રાજકોટના ઠગ દ્વારા લોકોના રૂા. 3 કરોડની ઠગાઈ
રાજકોટના ઠગે વડોદરામાં અનેકને ફસાવ્યા : વડોદરાના જામ્બુવા પાસેથી કારમાં પકડાયો : પરિચિતોની કોરા ફોર્મ પર સહી કરાવી સોનુ લઇને લોન ઉપાડી લેતો હતો
વડોદરા, : વડોદરાના માંજલપુર વિસ્તારની કેનેરા બેન્કના મેનેજર તરીકે ઓળખાણ આપી 3 કરોડથી વધુ રકમનું ઉઘરાણું કરી ફરાર થઈ ગયેલા ઠગને ક્રાઇમ બ્રાન્ચે જામ્બુવા પાસેથી ઝડપી પાડી કાર અને મોબાઇલ કબજે લીધા હતા.
પરિચિતો અને મિત્રોને માંજલપુર કેનેરા બેન્કનો મેનેજર છું અને હાલમાં ગોલ્ડ લોન મેનેજર તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું તેમ કહી ઓળખાણ આપતા વિશાલ જયંતિભાઈ ઠક્કર (મેપલ મીડોઝ,રિલાયન્સ મોલ પાસે,જૂના પાદરા રોડ અને વેદાંત વિશ્રામ એપાર્ટમેન્ટ, જાંબુઆ,વડોદરા મૂળ રહે.ઉમંગ નગર, 150 રીંગરોડ,રાજકોટ) નામના ઠગે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ગ્રાહકો પાસેથી ગોલ્ડ લઈ જઈ પાંચ દિવસમાં લોન મળી જશે તેમ કહી કોરા ફોર્મ પર તેમજ સહીઓ લેનાર ઠગ લોનની રકમ જુદાજુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી ઉપાડી લેતો હતો.
ઠગ વિશાલ ઉર્ફે રવિએ એક મહિલા તેમજ અન્ય પરિચિતો પાસે ગોલ્ડ લોનના નામે 3 કિલો અને 400 ગ્રામ સોનુ પડાવી લીધું હતું.આ ઉપરાંત મહિલાને હાઉસિંંગ લોન અપાવવાના નામે રૂ. 24 લાખ તેમજ તેના પતિની દુકાન પર રૂ. 10 લાખની લોન લઈ કુલ રૂ. 2.50 કરોડ રૂપિયાની છેતરપિંંડી કરી હતી.
આવી જ રીતે ઠગે એક ગ્રાહકને લોન અપાવવાના નામે 23 તોલા સોનુ તેમજ બીજા એક પાસેથી 30 તોલા સોનું પડાવી લીધું હતું.ગોલ્ડ લોનની રકમો તે જુદાજુદા ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડી લેતો હતો.
એક વર્ષથી ફરાર વિશાલ ઉર્ફે રવિ ઠક્કરને શોધવા માટે વડોદરા પોલીસ કામે લાગી હતી.જે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજા અને ટીમે ગઇરાત્રે જાંબુવા વિસ્તારમાં વોચ રાખી કિયા સેલ્ટોસ કારમાં જઇ રહેલા ઠગને ઝડપી પાડયો હતો.
લોકો પાસે ઠગી લીધેલી લાખોની રકમ કબજે કરવા માટે માંજલપુર પોલીસ રિમાન્ડ લેશે : ઠગ પાસેથી 4 કિલો જેટલું સોનુ અને 34 લાખ જેટલી રોકડ કબજે લેવાનો પડકાર
ગોલ્ડ લોનના નામે લાખો રૂપિયા ઠગી લેનાર ભેજાબાજ રવિ ઠક્કર પાસેથી સોનુ અને રોકડ કબજે કરવી માંજલપુર પોલીસ માટે પડકાર રૂપ બન્યું છે. રવિ ઉર્ફે વિશાલ ઠક્કરે અંદાજે 4 કિલો જેટલું સોનું લોકો પાસેથી પડાવી લીધું હતું. જેમાંથી તેણે કેટલી લોન લીધી છે અને તે રકમ તેમજ બાકીનું સોનુ ક્યાં છે તે તપાસનો વિષય છે.
આ ઉપરાંત તેણે માંજલપુરની મહિલા ને હાઉસિંગ લોન અપાવવાના નામે રૂ. 24 લાખ તેમજ તેના પતિની દુકાનના નામે રૂ. 10 લાખની લોન લીધી હતી.જેથી પોલીસ માટે આવી રોકડ રકમ પણ કબજે કરવાનો પડકાર હોવાથી આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાનાર હોવાનું જાણવા મળ્યું છે.