હિન્દુ વેપારી તરીકે ઓળખ આપી અમરોલીના વિવર પાસે રૂ.72 લાખનું ગ્રે લઈ ઉલાળીયો
ઉનના રીઝવાની સૈયદ આબીદ હુસેને જગદીશ કુમાવથના જીએસટી નંબર, ભાડા કરારનો ઉપયોગ કરી સંખ્યાબંધ વેપારીઓને ચૂનો ચોપડયો છે
ઉધના પોલીસે રીઝવાની સૈયદ આબીદ હુસેન અને તેના સાગરીત મહેશ ભલાણીની ધરપકડ કરી
- ઉનના રીઝવાની સૈયદ આબીદ હુસેને જગદીશ કુમાવથના જીએસટી નંબર, ભાડા કરારનો ઉપયોગ કરી સંખ્યાબંધ વેપારીઓને ચૂનો ચોપડયો છે
- ઉધના પોલીસે રીઝવાની સૈયદ આબીદ હુસેન અને તેના સાગરીત મહેશ ભલાણીની ધરપકડ કરી
સુરત, : સુરતના ખટોદરા અને સારોલી વિસ્તારમાં હિન્દુ વેપારી તરીકે ઓળખ આપી દુકાન શરૂ કરી અમરોલીના વિવર પાસેથી દલાલ મારફતે રૂ.72 લાખનું ગ્રે કાપડ ખરીદી બાદમાં પેમેન્ટ નહીં કરી ધમકી આપનાર ઉનના મુસ્લિમ વેપારી સહિત પાંચ વિરુદ્ધ ઉધના પોલીસે ગુનો નોંધી મુસ્લિમ વેપારી અને તેના સાગરીતની ધરપકડ કરી છે.મુસ્લિમ વેપારીએ હિન્દુ વેપારીના જીએસટી નંબર, ભાડા કરારનો ઉપયોગ કરી સંખ્યાબંધ વેપારીઓને ચૂનો ચોપડયો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અમરોલી વરીયાવ છાપરાભાઠા રોડ ડી.ડી.સ્પોર્ટસ સેન્ટર પાસે રિવાન્ટા ગાર્ડન સીટી એચ-902 માં રહેતા 30 વર્ષીય પ્રજ્ઞેશભાઈ ઉર્ફે પિન્ટુ મનસુખભાઈ વાઘાણી પિતરાઈ ભાઈ સાથે ભાગીદારીમાં કામરેજ વરેલી પાસે ધીરજ ઈન્ડસ્ટ્રીયલમાં મીત ક્રિએશનના નામે ગ્રે કાપડ બનાવી વેપાર કરે છે.બે વર્ષ અગાઉ મિત્ર સુરેશ પાલડીયાને ટીએફઓ મશીન ખરીદવાના હોય પ્રજ્ઞેશભાઈ ઉધના ઉધોગનગર રોડ નં.8 ઓફિસ નં.19/3/4 સ્થિત ભરતભાઈ વઘાસીયાની શિવ ટેક્ષ ખાતે ગયા હતા.ત્યાં તેમની મુલાકાત કાપડ દલાલ અનીલ હસમુખભાઇ ચેવલી ( રહે.ડી-602, પાયોનીયર ડ્રીમ હાઇટસ, તિરૂપતિ સર્કલ પાસે, ન્યુ અલથાણ રોડ, સુરત ) સાથે થઈ હતી.તેમણે ખટોદરા સબજેલની પાછળ કડીવાલા હાઉસમાં મહાવીર ટ્રેડીંગના વહીવટકર્તા જગદીશ કુમાવથ સાથે મુલાકાત કરાવતા તેમની સાથે ગ્રે કાપડનો વેપાર શરૂ કર્યો હતો.
રૂ.10 લાખનું ગ્રે કાપડ ખરીદી સમયસર પેમેન્ટ કરનાર જગદીશ કુમાવથે ત્યાર બાદ 15 ઓગષ્ટથી 27 ઓક્ટોબર 2023 દરમિયાન પ્રજ્ઞેશભાઈ પાસેથી રૂ.72,03,263 નું ગ્રે કાપડ ખરીદ્યું હતું.તેની ઉઘરાણી માટે પ્રજ્ઞેશભાઈ મહાવીર ટ્રેડીંગની દુકાને ગયા ત્યારે ત્યાં મહેશભાઈ ભલાણી મળ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે મેં મહાવીર ટ્રેડીંગની તમામ દુકાનો ખરીદી લીધી છે અને બાકી નીકળતી ઉઘરાણી મારી પાસેથી કરજો.આથી થોડા સમય બાદ પ્રજ્ઞેશભાઈએ પેમેન્ટની માંગણી કરી તો મહેશભાઈએ વાયદા કર્યા હતા.બાદમાં ગત 27 ફેબ્રુઆરીના રોજ પ્રજ્ઞેશભાઈ મહાવીર ટ્રેંડિંગની ઓફિસે પેમેન્ટ લેવા ગયા ત્યારે ત્યાં હાજર મહેશભાઈ અને જગદીશ કુમાવથ પૈકી મહેશભાઈએ કહ્યું હતું કે તારાથી થાય તે કરી લેજે, કોઈ પણ પોલીસ સ્ટેશન હોય ત્યાં અમારા હપ્તા જાય છે અને હું આખા ગામને નવરા કરવા બેઠો છું.તને તારો જીવ વ્હાલો હોય તો પેમેન્ટ ભૂલી જા.નહીંતર જાનથી હાથ ધોવા પડશે.
ત્યાર બાદ પણ વારંવાર ઉઘરાણી કરવા છતાં બંનેએ પેમેન્ટ કર્યું નહોતું અને છ મહિના અગાઉ દલાલ અનીલ ચેવલી મારફતે જાણ થઈ હતી કે તેમણે જે જગદીશ કુમાવથ સાથે મુલાકાત કરાવી હતી તેનું સાચું નામ રીઝવાની સૈયદ આબીદ હુસેન છે.રીઝવાની સૈયદ આબીદ હુસેને મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામ ધારણ કરી જગદીશ કુમાવથ નામના વેપારીના જીએસટી નંબર અને ભાડા કરારનો ઉપયોગ કરી માર્કેટમાં સંખ્યાબંધ વેપારીઓ સાથે ઠગાઈ કરી હોવાની જાણ થતા છેવટે પ્રજ્ઞેશભાઈએ ગતરોજ રીઝવાની સૈયદ આબીદ હુસેન ( રહે.ફલેટ નં.304, અલ સીસા રેસીડન્સી, દરબાર નગર, ઉન, સુરત ), જગદીશ કુમાવથ ( રહે.101, સાનીધ્ય કોમ્પલેક્ષ, ઠાકોરનગર, પરવત પાટીયા, સુરત ), મહેશભાઇ રામજીભાઇ ભલાણી, તેમની સાથે ઠગાઇમાં સામેલ મોહમદભાઇ અને દલાલ અનીલ ચેવલી વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીઝવાની સૈયદ આબીદ હુસેન અને તેના સાગરીત મહેશ ભલાણીની ધરપકડ કરી હતી.
માર્કેટમાં ઘોડા બેસાડી નવા પ્રકારથી છેતરપિંડી
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે માર્કેટમાં ઘોડા બેસાડી ઠગાઈ કરવાના આ નવા પ્રકારમાં મુસ્લિમ વેપારીએ હિન્દુ વેપારીના જીએસટી નંબર, ભાડા કરારનો ઉપયોગ કરી સુરતના ખટોદરા અને સારોલી વિસ્તારમાં સંખ્યાબંધ વેપારીઓને ચૂનો ચોપડયો છે.આગામી દિવસોમાં તેના વિરુદ્ધ વધુ ગુના નોંધાય તેવી શક્યતા છે.વધુ તપાસ ઉધના પીઆઈ એસ.એન.દેસાઈ કરી રહ્યા છે.