ભાજપ નેતા ઉમેદવારી ફોર્મ ભર્યા વિના જ પરત ફર્યાં, ગુલાબસિંહ સામે કોણ લડશે તે વિશે સસ્પેન્સ યથાવત
Vav Assembly By Election : બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે. આજે ઉમેદવારના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, ભાજપ તરફથી વાવ વિધાનસભા બેઠક કોણ લડશે તેવી કોઈ જાહેરાત હજુ સુધી થઈ નથી. એવામાં ભાજપના નેતા લાલજી પટેલ ફોર્મ ભરવા પ્રાંત કચેરી તોપહોંચ્યા પરંતુ ફોર્મ ભર્યા વિના જ પરત ફરી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ ફાઈનલ, થરાદના પૂર્વ ધારાસભ્યને ફાળવાઈ ટિકિટ
ફોર્મ ભર્યા વિના જ પરત ફર્યાં
ભાજપ તરફથી લાલજી પટેલ ઉમેદવારીનું ફોર્મ ભરવા પહોંચ્યા હતાં, પરંતુ ફોર્મ ભર્યા વિના જ પાછા જતાં રહ્યા છે. પરત ફરતાં વખતે તેઓએ કહ્યું કે, 'ભારતીય જનતા પાર્ટીએ મને ફોર્મ ભરવાની સૂચના આપી છે. સૂચના મુજબ હું ફોર્મ ભરવા આવ્યો છું. આગળ પાર્ટી જે નિર્ણય લેશે તે માન્ય રહેશે. જો ભાજપ મને મેન્ડેટ આપશે તો હું જરૂરથી લડીશ.' જોકે, ભાજપ દ્વારા હજુ સુધી કોઈ મેન્ડેટ આપવામાં આવ્યું નથી. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ભાજપના તમામ પાંચેય નેતા એક સાથે ફોર્મ ભરવા આવી શકે છે અને અંતિમ ઘડીએ ભાજપ પોતાનું મેન્ડેટ જાહેર કરશે.
આ પણ વાંચોઃ વાવ બેઠક પર જામશે રસાકસીભર્યો જંગ, ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી
કોને મેદાને ઉતારશે ભાજપ?
ગુલાબસિંહ રાજપૂતની જાહેરાત બાદ ભાજપ માટે મોટો ચહેરો ઉતારવો જરૂરી બન્યો છે. જોકે, ભાજપ હજુ પણ અસમંજસમાં હોય તેવું જણાઈ રહ્યું છે. હાલ એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ભાજપ ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારી શકે છે. નોંધનીય છે કે, ઉમેદવારી ફોર્મ ભરવા માટે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ભાજપે હજુ મેન્ટેડ બહાર ન પાડી સસ્પેન્સ યથાવત રાખ્યો છે.