ટ્રક અને કારની ખરીદી કરી ઠગાઇ, મુખ્ય આરોપી સહિત 2 ઝડપાયા
B ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ : બંને વાહનો આરોપીએ બારોબાર વેચી નાખ્યાનું ખુલ્યું : વાહનો કબ્જે કરવા પોલીસની તજવીજ
રાજકોટ, : કાર અને ટ્રકની ખરીદી કરી છેતરપિંડી કર્યા અંગે ભરત દેવાભાઈ કુછડીયા (રહે. મોટામવા સ્મશાનની બાજુમાં) વિરૂધ્ધ જુદા-જુદા બે પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ છે. જેના આધારે બી ડીવીઝન પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે હવે બંને વાહનો પણ કબ્જે કરવા તજવીજ શરૂ કરી છે.
ગ્રીન લેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટીમાં રહેતા સુરજ રસિકભાઈ ડાંગર (ઉ.વ. 25)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2023 તેણે ટ્રકની ખરીદી કરી હતી. જેમાં 1 લાખ ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવી બાકીની લોન કરાવી હતી. ત્યારપછી પૈસાની જરૂરિયાત પડતાં તેણે ભરત અને લખનને ટ્રક વેચી નાખ્યો હતો. તે વખતે બંનેએ રોકડા રૂા. 50,000 આપ્યા હતા. જ્યારે લોનની રકમ બંનેએ ભરવાની હતી. આ રીતે તેણે ટ્રકનો કબ્જો સોંપી દીધો હતો.
ત્યારબાદ ટ્રકનો પહેલો હપ્તો બાઉન્સ થતાં બંનેને વાત કરતાં હપ્તો ભરી દેવાની વાત કરી હતી. પરંતુ ભર્યો ન હતો. બીજો હપ્તો પણ બાઉન્સ થયો હતો. જે અંગે પણ બંનેએ સરખો જવાબ આપ્યો ન હતો. તપાસ કરતાં તેને જાણવા મળ્યું કે બંનેએ તેનો ટ્રક વસીમ ઉર્ફે બચ્ચો બશીર સમા (રહે. આજી ડેમ ચોકડી પાસે, અનમોલ પાર્ક-1)ને વેચી દીધો છે. જેથી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે ભરત અને લખનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ મથકમાં સંજય રમણીક કણજારા (ઉ.વ. 44, રહે. જલારામ સોસાયટી-2, બીલીપત્ર એપાર્ટમેન્ટ)એ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તે કન્સ્ટ્રકશનનું કામ કરે છે. તેની પાસે હોન્ડા સિટી કાર હતી. જે વેચવાની હોવાથી મિત્ર ભાવેશ પીઠડિયાને વાત કરી હતી. જેના મારફત ભરતનો સંપર્ક થતાં રૂા. 6 લાખમાં કાર ખરીદવાનું નક્કી કર્યું હતું.
જેમાંથી રૂા. 3 લાખ રોકડા આપી દીધા હતા. બાકીના રૂા. 3 લાખ બે માસમાં આપવાનું કહ્યું હતું. આ રકમ મળે પછી ટીટીઓ ફોર્મમાં સહી અને ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આપવાનું નક્કી થયું હતું. એટલું જ નહીં ભરતે સિક્યોરિટી પેટે ચેક પણ આપ્યો હતો. તેને કારનો કબ્જો સોંપી દીધા બાદ વેચાણ કરાર કરવા બાબતે દલ્લાતલ્લા શરૂ કર્યા હતાં.
એકાદ માસ પછી તેને પરિવહન એપ મારફત જાણવા મળ્યું હતું કે તેની કાર કેશોદના રાજેશ કોથળિયાના નામે ટ્રાન્સફર થઇ ગઇ છે. જેથી જૂનાગઢ આરટીઓમાં તપાસ કરાવતા તેના નામનું બોગસ આધારકાર્ડ બનાવી, તેમાં તેનું નામ અને સરનામું નાખી, જ્યારે બીજા વ્યક્તિનો ફોટો રાખી, ટીટીઓ ફોર્મમાં ખોટી સહીઓ કરી ટ્રાન્સફર કરી લીધી હતી. જેથી ફરિયાદ નોંધાવી હતી. બી ડીવીઝન પોલીસની કાર્યવાહી બાદ ગાંધીગ્રામ પોલીસ ભરતનો કબ્જો મેળવી ધરપકડ કરશે.