નાનપુરાના યાર્ન વેપારીને ધંધામાં ખોટ જતા ઘર છોડીને ચાલ્યો ગયો હતો: નાંણાકીય લેતીદેતીમાં દીકરા-દીકરીને ઉઠાવી જઇ મુંબઇમાં વેચી દેવાની વેપારીને ધમકી

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News




- સોશ્યિલ મિડીયા ઉપર પુત્રી માટે અપમાનજનક કોમેન્ટ કરી, દીકરા-દીકરીનો પીછો કરી કનડગત કરતો હતો

સુરત
નાનપુરા વિસ્તારમાં રહેતા યાર્ન વેપારીને ધંધામાં ખોટ જતા ઘર છોડીને ચાલ્યો ગયો હતો પરંતુ વિધર્મી લેણદાર વેપારીએ જબરજસ્તી ઘરમાં ઘુસવા ઉપરાંત વેપારીની પુત્રીને સોશ્યિલ મિડીયા ઉપર બદનામ કરવાનો અને ઉઠાવી જઇ મુંબઇ બજારમાં વેચી દેવાની ધમકી આપતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો છે.
નાનપુરા વિસ્તારમાં રહેતો અનિલ (ઉ.વ. 39 નામ બદલ્યું છે) ખટોદરા વિસ્તારમાં યાર્નનો ધંધો કરતો હતો. પરંતુ અન્ય વેપારી અને દલાલોએ ઉઠમણું કરતા અનિલને ખોટ ગઇ હતી. જેથી સગરામપુરાની મોટી મસ્જિદ પાસે યાર્નનો ધંધો કરતો નાબીલ પાનવાલા (રહે. સગરામપુર, સુરત) સાથે ધંધાકીય વ્યવહાર હોવાથી તેણે અનિલ પાસે ઉઘરાણી શરૂ કરી હતી. જો કે અનિલે લેણી રકમ પૈકી મોટા ભાગની રકમ ચુકવી દીધી હતી. પરંતુ ચારથી પાંચ લાખ રૂપિયા ચુકવવાના બાકી હતા અને લેણદારોનો ત્રાસ વધી જતા અનિલ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. આ બાબતથી વાકેફ હોવા છતા નાબીલ વારંવાર અનિલના ઘરે જઇ તેની પત્ની દિપાલી (ઉ.વ. 36 નામ બદલ્યું છે) પાસે ઉઘરાણી કરતો હતો. દિપાલીએ પૈસા આવશે ત્યારે પેમેન્ટ ચુકવીશું એવું કહેવા છતા નાબીલે ઘરનો દરવાજો તોડવાનો અને ગેલેરીમાંથી અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત દિપાલીની પુત્રી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં એન્કરીંગ કરી રહી હતી તેમાં અપમાનજનક કોમેન્ટ કરવા ઉપરાંત ફેક આઇડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત જો પેમેન્ટ નહીં આપે તો દીકરા-દીકરીને ઉઠાવીને મુંબઇ બજારમાં વેચી દેવાની ધમકી આપી તેમનો પીછો કરી કનડગત કરતો હતો. પોલીસે નાબીલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News