ટાઇલ્સ કંપનીના ડાયરેક્ટર તરીકે ઓળખ આપી વેપારી સાથે રૂા. 98 લાખની ઠગાઇ
મોરબીના વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી વોટ્સએપ મેસેજ કરી વેપારીને વિશ્વાસમાં લઇ એડવાન્સ પેમેન્ટ મોકલવાનું કહી ધૂંબો માર્યો
મોરબી, : હાલ ઓનલાઇન ફ્રોડ અને વોટ્સએપ કોલ મારફત અનેક પ્રકારની ચીટીંગ થતી રહે છે. જેમાં મોરબીના વેપારીને એક શખ્સે વોટ્સએપમાં મેસેજ કરી પોતાને ટાઇલ્સની કંપનીના ડાયરેક્ટર દર્શાવી એડવાન્સ પેમેન્ટ પેટે 98 લાખની રકમ મેળવીને છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના આલાપ રોડ પર રહેતા કેતનભાઈ પ્રભુલાલ દલસાણીયા (ઉ.વ. 38) વેપારીએ મોબાઇલ નંબર ધારક અને યુકો બેંક એકાઉન્ટ ધારક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે કેતનભાઈ પોતાની કોરલ ટાઇલ્સ પ્રા.લી.ની ઓફિસે હતા ત્યારે આરોપીએ વોટ્સએપ મેસેજ કરી પોતે જોન્સન ટાઇલ્સ કંપનીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર શરત ચાંડાક હોવાનું જણાવી વાત કરી હતી. આરોપીએ કેતનભાઈને વિશ્વાસમાં લઇને કંપનીના યુકો બેંક એકાઉન્ટમાં 98 લાખ ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે મોકલી આપવા ચેટથી વાત કરી હતી. જેથી કેતનભાઈએ યુકો બેંક ખાતામાં 98 લાખની રકમ આરટીજીએસ દ્વારા મોકલી આપી હતી. બાદમાં ફરિયાદી વેપારીએ શરત ચાંડાક સાથે વાત કરતાં તેઓએ કોઇ મેસેજ ના કર્યા હોવાનું જણાવ્યું હતું અને મોબાઇલ નંબર તેમજ બેંક ખાતા ધારકે મળીને ગુનાઇત કાવતરૂં રચી વેપારી સાથે 98 લાખની ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.