સાપુતારામાં ચારધામ યાત્રાએથી પરત આવતી બસ ખીણમાં ખાબકી, 5 શ્રદ્ધાળુના મોત
Saputara Bus Accident | ગુજરાતના ડાંગ જિલ્લામાં રવિવારે વહેલી સવારે તીર્થયાત્રીઓને લઈ જતી એક ખાનગી બસને અકસ્માત નડ્યો. જેના બાદ આ બસ ખીણમાં ખાબકી જતાં 5 શ્રદ્ધાળુઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 17 જેટલાં લોકો ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ એસ.જી.પાટિલે કહ્યું કે આ દુર્ઘટના વહેલી સવારે 4:15 વાગ્યે થઈ હતી. સાપુતારા હિલ સ્ટેશન નજીક બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી ગઇ હતી. તેમણે કહ્યું કે આ બસમાં 48 તીર્થયાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ બેરિકેડ તોડીને 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
પોલીસે આપી માહિતી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુઃખદ અકસ્માતમાં પાંચ તીર્થયાત્રીઓ મૃત્યુ પામી ગયા હતા જ્યારે 17ની હાલત ગંભીર જણાવાઈ રહી છે. જેમને આહ્વા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે કેટલાક અન્ય એવા મુસાફરો પણ હતા જેમને સામાન્ય ઈજાઓ થઇ હતી. બચાવ કામગીરી પૂણર્ કરી લેવામાં આવી છે. મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરથી 48 તીર્થયાત્રીઓને લઈને બસ દ્વારકા જઈ રહી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં મધ્યપ્રદેશના ગુના, શિવપુરી અને અશોકનગરના રહેવાશીઓ સામેલ હોવાનું ખુલ્યું છે. જેમાં બે મહિલા અને ત્રણ પુરુષો સામેલ છે.