સચિનમાં એથર ઇન્ડસ્ટ્રીઝની આગમાં દાઝેલા કામદારનું મોત : મરણાંક 8 થયો
- ગોઝારી દુર્ઘટનામાં ભડથું થઇ ગયેલા સાતેય કામદારના પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લઇ એફએસએલમાં મોકલાયા
સુરત :
સચિન જીઆઈડીસી ખાતે એથર ઈન્ડસ્ટ્રીઝમાં અઠવાડિયા પહેલા ભીષણ આગમાં ભડથું થયેલા સાત કામદારોના હાડપિંજર મળ્યા હતા. ઘટનામાં દાઝી ગયેલા ૨૭ કામદારો પૈકી એક કામદારનું સારવાર દરમિયાન સોમવારે સાંજે મોત નીપજ્યું હતું. આ સાથે આ બનાવમાં કુલ મરણ આંક આઠ થયો હતો.
નવી સિવિલથી મળેલી વિગતો મુજબ સચિન જીઆઈડીસીમાં એથર ઈન્ડસ્ટ્રીઝમાં ગત તા. ૨૮મીએ મંગળવારે મોડી રાતે કેમિકલ ટેન્કમાં સંભવતઃ લીકેજ થતાં એક પછી એક બે પ્રચંડ વિસ્ફોટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. તે સમયે ત્યાં ફરજ બજાવી રહેલા ૧૫૦ થી વધુ પૈકી ૨૭ કામદારો દાઝી જતા અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડાયા હતા. જ્યારે દિવ્યેશ કુમાર પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનત કુમાર મિર્શ્રા, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનિલ કુમાર અને અભિષેક સિંગ ગુમ થયા હતા. જયારે ગત તા. ૩૦ વહેલી સવારે સર્ચ દરમિયાન એકસાથે આ સાત વ્યકિતના ભડથું થયેલા મૃતદેહ કમ માનવ હાડપિંજર મળી આવ્યા હતા. જયારે દાઝી ગયેલા પ્રમોદ મદારી ગૌતમ (ઉ-વ-૪૦-રહે- રામેશ્વર કોલોની, સચીન જી.આઇ.ડી.સી)ને વેસુની ખાનગી હોસ્પિટલ બાદ ઉધના દરવાજાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં સોમવારે સાંજે પ્રમોદનું સારવાર દરમિયાન મોત થતા દુર્ઘટનામાં મૃત્યુંઆક ૮ થયો છે.પ્રમોદ મુળ ઉતરપ્રદેશમાં ફતૈપુરનો વતની હતો. તેને સંતાનમાં ૩ પુત્ર અને ૨ પુત્રી છે. તે કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો.
સચિન જી.આઇ.ડી.સી પોલીસ મથકના પી.આઇ જે.આર ચૌધરીએ કહ્યુ કે મૃત્યુ પામેલા ધમેન્દ્ર સહિત સાત વ્યકિતના ઓળખ થાય તે માટે સિવિલના ફોરેન્સીક પોસ્ટમોર્ટમ દરમિયાન ડી.એન.એના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ તેમના પરિવારના ડીએનએ સેમ્પલ મેચ કરવા માટે નવી સિવિલમાં લવાયા હતા. આગામી દિવસોમાં તમામના ડી.એન.એના રિપોર્ટ આવશે.
- દુર્ઘટનામાં મૃતક પ્રદિપ ગૌતમના સંબંધીને કોઇની સાથે વાત ન કરવા કોન્ટ્ર્કટરે દબાણ કર્યુ
સચિન જીઆઈડીસી ખાતે એથર ઈન્ડસ્ટ્રીઝમાં દાઝી ગયેલો ૪૦ વર્ષીય પ્રદિપ ગૌતમનું ખાનગી હોસ્પિટલમાં ગત સાંજે મોત થયુ હતુ. જેથી તેનો મૃતદેહને પોલીસ દ્વારા નવી સિવિલમાં લવાયો હતો. સવારે પ્રદિપના પરિવાર તથા સંબંધી સહિત પરિચિત નવી સિવિલ ખાતે આવ્યા હતા. ત્યારે કંપનીના કોન્ટ્રાકટર સહિતના વ્યકિતઓએ પ્રદિપના પરિવાર અને સંબંધીને કોઇ પણ વ્યકિત સાથે વાતચિત નહી કરવા માટે દબાણ કર્યુ હોવાનું તેમના પરિચિત વ્યકિતએ કહ્યુ હતું.