રાજકોટ અગ્નિકાંડમાં સરકારનું એક જ રટણ... 'અમલદારો અને પદાધિકારીઓને છોડવામાં નહીં આવે'
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડને ગઈકાલે એક મહિનો થયા પછી અને રાજ્ય સરકારે નિમેલી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)નો અહેવાલ આવ્યા પછી પણ કોઈ મોટા માથાઓ સામે પગલાં લેવામાં આવ્યા નથી.
સીટે આપેલા અહેવાલ બાદ પણ સરકારે હજુ કોઈ પગલાં લીધા નથી
આ ઘટનામાં રાજકોટ મહાપાલિકા, રોડ એન્ડ બિલ્ડીંગ, ટાઉન પ્લાનીંગ અને પોલીસની કામગીરીમાં ઉણપ હોવાની, આ વિભાગોની જવાબદારી હોવાનું તારણ સીટે પોતાના અહેવાલમાં આપ્યું હોવા છતાં સરકારે હજુ કોઈ પગલાં લીધા નથી.
રાજ્ય મંત્રીમંડળની ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં સીટના અહેવાલની ચર્ચા થઈ હોવાનું પ્રવકતા મંત્રીએ સ્વીકાર્યું હતું. પરંતુ, રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ થયા બાદ પગલાં લેવામાં આવશે એવો સંકેત પણ તેમણે આપ્યો હતો.
"ઉલ્લેખ હશે તેની સામે પગલાં લેવામાં આવશે, પગલાં લેવાનું સરકારે નક્કી ક્યું છે, સીટમાં જે ભલામણો હશે, સાબિતી મળશે તેના પર સરકાર પગલાં લેશે...'' એવું રટણ પ્રવકતા મંત્રીએ કેબિનેટની બેઠક બાદ વારંવાર કર્યું હતું.
હાઈકોર્ટમાં આ ઘટના અંગે સુઓ મોટો પિટિશનની સુનાવણી
રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતુ કે ગુજરાત હાઈકોર્ટમાં આ દર્દનાક ઘટના અંગે સુઓ મોટો પિટિશનની સુનાવણી ચાલી રહી છે. એટલે સરકાર આપમેળે કોઈ પગલાં લેવાના બદલે હાઇકોર્ટની સૂચના, આદેશ કે નિર્દેશ અનુસાર જ આગળની કાર્યવાહી કરે એવી શક્યતા છે.
બીજું, સુભાષ ત્રિવેદીની સીટ (જે હજુ તપાસ આગળ ધપાવશે) ઉપરાંત રાજકોટ પોલીસ અને હાઈકોર્ટના આદેશ અનુસારની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી પણ તપાસ ચલાવી રહી છે એટલે નક્કર પગલામાં સમય લાગે તેવી શક્યતા છે.
રાજકોટના ટીઆરપી ગેમઝોનની ભયાનક આગમાં 27 નિર્દોષ લોકોનો ભોગ લેનારી દુર્ઘટનાને એક મહિનો થવા આવ્યો છે ત્યારે રાજ્ય સરકારે મોટી માછલીઓ સામે પગલાં લેવાનો ગર્ભિત સંકેત આપી દીધો છે.
સીટનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે
કેબિનેટમાં ચર્ચાયેલી બાબતો અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપતાં કહ્યું હતું કે સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી પાંચ સભ્યોની સીટની તપાસમાં જે કોઈ જવાબદાર નિકળશે તેમની સામે આકરા પગલાં લેવાશે. રાજ્ય સરકાર હાલ આ રિપોર્ટનો અભ્યાસ કરી રહી છે. આગામી 4 જુલાઇએ આ રિપોર્ટને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જવાબદાર પદાધિકારીઓ સામે પગલા લેવાશે
સીટની તપાસમા કેટલાક આઈએએસ, આઈપીએસ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર પદાધિકારીઓનો ઉલ્લેખ છે કે તેમ તેવા સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે સીટના દાયરામાં ઘણી બાબતોનો સમાવેશ છે. આ ઉલ્લેખ હશે તેઓ જવાબદાર હશે તો તેમની સામે પગલાં લેવાનું સરકારે નક્કી કર્યું છે.
ક્રાઈમ બ્રાન્ચ, સીટ અને ફેક્ટ ફાઈન્ડીંગ કમિટી તપાસ કરી રહી છે
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે આ દુર્ઘટનાને આજે એક મહિનો પૂરો થયો છે. આ કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, સીટ અને ફેક્ટ ફાઈન્ડીંગ કમિટી એમ ત્રણ પક્ષે તપાસ થઈ રહી છે. મેટર સબજ્યુડીસ હોવાથી સીટનો રિપોર્ટ સરકાર હાઈકોર્ટમાં રજૂ કરાશે.
સીટ તરફથી જે તપાસ થઈ છે તેમાં ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓનો ઉલ્લેખ છે તો સરકાર તેમની સામે ક્યારે પગલાં લેશે તેવા સવાલના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે સીટમાં જે ભલામણો કરવામાં આવી હશે અને સાબિતી મળશે તેના પર સરકાર પગલાં લેશે.
સીટના રિપોર્ટ પહેલાં અમે તો રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને રિમૂવ કરી દીધા છે. હજી કેટલાક મુદ્દા તપાસવાના બાકી છે. અદાલતમાં રજૂ થયા પછી જે તારણ આવશે તેમાં પગલાં લેવાશે.