બુલેટ ટ્રેન ઈફેક્ટ: ખાણી-પીણીની લારીઓ આગામી છ મહિના સુધી નહિ રાખવા સૂચના
બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રેલવે સ્ટેશનથી ડેપો સુધીમાં ઉભી રહેતી ખાણીપીણીની આઠ જેટલી લારીઓના ધારકોને આગામી છ મહિના સુધી આ વિસ્તારમાં ખાણી પીણીની લારીઓ ઊભી નહીં રાખવા પાલિકાની દબાણ શાખાએ આપેલી મૌખિક સૂચનાથી લારી ધારકો આવતીકાલથી પોતપોતાની લારીઓ આ વિસ્તારમાં ઊભી નહીં રાખે એવી ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનની કામગીરી વડોદરા ખાતે પૂર જોશમાં ચાલી રહી છે અને લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ પાસે ચાલતી કેટલીક કામગીરી પૂરી થવામાં છે. આ ઉપરાંત ઓવર બ્રિજ પર પીલરો મુકવાની કામગીરી પણ પૂરી થઈ ગઈ છે જ્યારે બીજી બાજુ હવે લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ થી આગળ સ્ટેશન તરફ આવતા બુલેટ ટ્રેન અંગે ઉભા કરવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરાશે. એલ એન્ડ ટી દ્વારા ચાલતી આ કામગીરી અંગે આજે વડોદરા પાલિકા ડાયરેક્ટર ની સૂચના મુજબ દબાણ શાખાની ટીમ અને એલ એન્ડ ટીની ટીમ રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે સવારે પહોંચી હતી. જ્યાં રોડ રસ્તાની બંને બાજુએ આઠ જેટલી ખાણીપીણીની લારીઓ કાયમી ધોરણે ઉભી રહે છે. જેથી આ તમામ લારીધારકોને આગામી ૬ માસ સુધી આ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ ઉભી રાખવી નહીં તેમજ અન્ય કોઈ દબાણ કરવું નહીં તેવી સૂચના આપી હતી. આ બાબતે બુલેટ ટ્રેનની થનારી કામગીરી બાબતે પિલરો ઊભા કરવાના હોવાથી કામકાજમાં કોઈ અડચણ ન સર્જાય એવા હેતુથી તમામ ઘણી બધી લારીધારકોને ખાસ સુચના આપીને સમજાવવામાં આવ્યા હતા. જેથી ખાણીપીણીના લારી ધારકોએ ખાણીપીણીનો માલ સામાન તૈયાર હોવાથી આજનો દિવસ વેપાર ધંધો કરવાની સંમતિ આપવા જણાવ્યું હતું અને આવતીકાલથી આ વિસ્તારમાં કોઈ ખાણીપીણીની લારી નહીં ઉભી રહે તેવી બાંહેધરી પણ આપી હતી. આમ દબાણ શાખાની ટીમ અને એલ એન્ડ ટીની ટીમ લારી ધારકોને સમજાવટ બાદ પરત ફરી હતી.