બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ૬૬ ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફર્યુંં
અનધિકૃત દબાણો પર તંત્ર ત્રાટક્યું, હજુ વધુ દબાણો
દૂર કરાશે
નોટિસો આપ્યા બાદ પૂર્વ તૈયારીઓ સાથે તંત્રએ ડિમોલિશન હાથ ધરી રૃા.૬.૭૨ કરોડની કિંમતની ૧૨૫૦૦ મીટર જેટલી ગૌચર સહિતની જમીન ખુલ્લી કરાવી
ફરી બેટ દ્વારકામાં મેગા ડિમોલીશન હાથ ધરાયું છે.જિલ્લા
પ્રશાસન દ્વારા જરૃરી સર્વેે તેમજ નોટિસ આપવા સહિતની કાયદેસરની કાર્યવાહી બાદ આ
અંગેની મુદત પૂર્ણ થયે દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા
પોલીસ પ્રશાસનને સાથે રાખીને આ પંથકમાં કરાયેલા રહેણાંક તેમજ કોમશયલ વિસ્તારની
સરકારી જગ્યાને ખુલ્લી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને દબાણ દૂર કરવા માટેની તૈયારીઓ આદરવામાં આવી
હતી.
બેટ દ્વારકાના જુદા
જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે નોટિસ ફટકારી અને પોતાના દબાણો
સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવાયું હતું. અને અંતે ગઈકાલે પોલીસ અધિક્ષક અને દ્વારકા
પ્રાંત અધિકારી દ્વારા અહીં દબાણ હટાવવાની ઝુંબેશ આજથી શરૃ કરવા માટેનો તખ્તો ઘડવામાં
આવ્યો હતો.
આજે સવારથી શરૃ કરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં આશરે ૨૫૦ જેટલા
આસામીઓને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૃ કરવામાં આવી હતી. બેટ દ્વારકાના બાલાપર
ખાતે ગેરકાયદે બાવન રહેણાકો તોડી પાડી ૨,૯૫,૯૦,૦૦૦ની કિંમતની
૫૫૦૦ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ હતી. બાલાપર વિસ્તારમાં જ ગુરૃદ્વારાની
સામેના વિસ્તારમાંથી ગેરકાયદે ખડકાયેલા ૧૪ રહેણાક મકાનો તોડી પાડી ૩,૭૬,૬૦,૦૦૦ની કિંમતની
૭૦૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.આમ આજે કુલ ૬૬ ગેરકાયદે મકાનો તોડી
પાડી ૬.૭૨ કરોડની કિંમતની ૧૨૫૦૦ ચોરસ મીટર
સરકારી જમીન ખુલ્લી કરાવાઇ હતી.આ ઝુંબેશ
હજુ આગામી દિવસોમાં પણ જારી રહેશે.
જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રૃબરૃ ઉપસ્થિતિમાં જિલ્લાના દ્વારકા અને ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાદક પ્રજાપતિ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ જિલ્લાભરનો પોલીસ કાફલો પી.આઈ., પી.એસ.આઈ. ઉપરાંત એસ.આર.પી. અને મહિલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે ૧૦૦૦ જેટલા સુરક્ષા કર્મીઓને ડિમોલિશનના સ્થળે તૈનાત કરવામાં આવી દીધા હતા. આટલું જ નહીં, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રખાઈ હતી. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્ર સાથે રેવન્યુ તંત્ર, પી.જી.વી.સી.એલ. તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો છે.ડિમોલીશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અને અહીં ચકલું પણ ન ફરકે તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. ત્યારે દ્વારકા, બેટ દ્વારકા વિસ્તારમાં આજથી શરૃ થયેલા ડિમોલિશનના વધુ એક રાઉન્ડએ દબાણકર્તા તત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી હતી.