આણંદ શહેરમાં 150 કાચા-પાકા દબાણો ઉપર બૂલડોઝર ફેરવાયું
ઇસ્માઇલનગર ઓવરબ્રિજથી સામરખા ચોકડી સુધી
ટ્રાફિકની સમસ્યા વકરતા પોલીસને સાથે રાખી મહાપાલિકાનું દબાણ હટાવ ઝુંબેશ
આણંદ બસ સ્ટેશન નજીક રેલવે ફાટક બંધ કરવામાં આવતા છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વધી હતી. ટ્રાફિકની સમસ્યા બારમાસી બનતા આણંદ મહાનગરપાલિકા દ્વારા ગુરૂવારે ઇસ્માઇલનગર પુલથી સામરખા ચોકડી સુધીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની દબાણ ટીમ દ્વારા ભાલેજ પુલથી બુલેટ ટ્રેનના બ્રિજ સુધી બંને તરફ દુકાનોનો ઓટલા, હોર્ડિંગ્સ, દીવાલ સહિતના ૧૫૦ જેટલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વિસ્તાર સંવેદનશીલ હોવાથી વહેલી સવારથી જ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ડીવાયએસપી, પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આણંદના પ્રાંત અધિકારી મયુર પરમારે જણાવ્યું હતું કે, દબાણો દૂર કરવામાં સાત જેસીબી, બે ક્રેન, સાત ટ્રેક્ટર અને મહાપાલિકાના ૧૦૦ કર્મીઓની મદદ લેવામાં આવી હતી.