પાલનપુરમાં દબાણો પર ચાલ્યું બુલડોઝર, શહેર અને હાઈવે પરના એક હજાર જેટલા દબાણો હટાવાયા
Palanpur Demolition: બનાસકાંઠાના પાલનપુર શહેર અને હાઇવે પર વધેલા દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે, જેને લઈને વાહનચાલકો અને શહેરીજનો ત્રાસી ગયા છે. ત્યારે હવે R&B વિભાગ, પાલનપુર નગરપાલિકા અને NHAIએ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી. જે અંતર્ગત આજે (7 ફેબ્રુઆરી, 2025) એક હજારથી વધુ દબાણો હટાવવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં ત્રણેય ટીમ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જણાવી દઈએ કે, પાલનપુરમાં નાગરિકો દ્વારા બાયપાસ રોડ બનાવવા માટે ધરણા શરૂ કરાયા છે, બીજી તરફ દબાણની કાર્યવાહી ચાલી રહી છે. જો કે, નાગરિકો આ કાર્યવાહીને માત્ર નાટક ગણાવી રહ્યા છે. તેમના અનુસાર, થોડા દિવસ બાદ પરિસ્થિતિ યથાવત્ હશે.
એક હજારથી વધુ દબાણો હટાવાયા
પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ પાલનપુરના એરોમા સર્કલથી કોજી વિસ્તાર અને એરોમા સર્કલથી હનુમાન ટેકરી વિસ્તાર સુધીમાં 1,000 થી વધુ દબાણ હટાવાયા છે.
તાત્કાલિક બાયપાસ રોડ બનાવવા નાગરિકોના ધરણા
ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત અને અન્ય કોઈ રસ્તા પર વાહનોનું ડાયવર્ઝન હોવાથી બાયપાસ એ એક માત્ર વિકલ્પ છે, જેને લઈને પાલનપુરના નાગરિકો પણ ધારણા પર બેસી ગયા છે અને બાયપાસનું કામ જલ્દી પૂરું કરવા માગ કરી રહ્યા છે. શહેરીજનોનું માનવું છે કે આ દબાણનું નાટક પાંચમી વાર ભજવાયું છે, નાના ગરીબોના દબાણ હટાવાય છે ત્યારે પાકા કરેલા દબાણોને હટાવતા નથી જેને લઈને ટ્રાફિક સમસ્યા છે. આજે દબાણ હટાવ્યા છે પરંતુ એક-બે દિવસ બાદ પરિસ્થિતિ યથાવત્ થઈ જશે. આ દબાણ હવે ફરીથી ન થાય તેવી તંત્ર પાસે માગણી છે.
પાલનપુરમાં મટન માર્કેટ પર પણ ફર્યું બુલડોઝર
થોડા દિવસ અગાઉ, પાલનપુર નગરપાલિકા દ્વારા સીમલાગેટ વિસ્તારમાં મટન માર્કેટમાં આવેલા 20 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસ જાપ્તા સાથે આ દબાણો મંગળવારે નગરપાલિકાની ટીમ દૂર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ વડોદરાના ગેડી ગેટ દરવાજા પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું : પાણીનો વેડફાટ
પાલીકાના જણાવ્યાનુસાર, પાલનપુરના સીમલાગેટ નજીકમાં આવેલા મટન માર્કેટમાં દબાણ દૂર કરવા નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ આપી દબાણદારોને સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરવા માટે જણાવ્યું હતું. છતા દબાણદારો દ્વારા દબાણ ના હટાવવામાં આવતા આજે નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે 20 જેટલા દબાણો જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.