સાપુતારાના સનસેટ પોઈન્ટ પર સ્મશાનભૂમિ જેવી ડિઝાઇન બનાવી, ગુજરાત પ્રવાસન વિભાગનું બુદ્ધિ પ્રદર્શન
Saputara Gujarat Tourist Place : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજન વગર આંધળો વિકાસ થઇ રહ્યો છે. જેમા સાપુતારાનાં સનસેટ પોઇન્ટ પર કરોડો રૂપિયાનાં ખર્ચે ચાલી રહેલ વિકાસકીય કામોમાં જાણે સ્મશાન ભૂમિ બનતી હોય તેવી ડિઝાઇન બનાવતા ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક એવા સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલે સ્થળ નિરીક્ષણ બાદ પ્રવાસન વિભાગ અને મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે લેખિત અને પ્રવાસન મંત્રીને પણ રૂબરૂમાં ફરિયાદ કરી હતી.
ગુજરાત કી આખો કા તારા સાપુતારામાં રાજ્યના પ્રવાસન વિભાગ વિકાસનાં ઓઠા હેઠળ વિનાશ કરી રહી છે. પ્રવાસન વિભાગે સરકારી ગ્રાન્ટનો આડેધડ ધુમાડો શરૂ કર્યો હોય તેમ હાલમાં હિલ નં.1 પર સનસેટ પોઇન્ટનાં વિકાસ માટે હાથ ધરેલી કામગીરીમાં કરોડો રૂપિયાના આંધણ બાદ પણ યોગ્ય આયોજન કે ઢંગધડા વગરની ડિઝાઇનથી જાણે સ્મશાન ભૂમિનું બાંધકામ કર્યું હોય તેમ બે છાપરા બનાવી મોટો ખર્ચ બતાવી દેવાયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
સાપુતારાનાં જોવાલાયક સ્થળોનો વિકાસ ઠેઠ ગાંધીનગરથી થતો હોય સ્થાનિક તંત્ર સાથે સંકલન ન હોય સમગ્ર યોજના અધિકારીઓની મનસ્વી રીતે બની રહી છે, જે સ્થળે સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો નિહાળવાનો હોય ત્યાં વેલી વ્યુ સાઈટ બિલ્ડિગ બનાવી આડાસ ઉભી કરાઇ હોય તેમ વેલી વ્યુ અને સનસેટનો નજારો ઢંકાઈ ગયો છે.
ધારાસભ્યે ફરિયાદમાં જણાવ્યું કે, ગુજરાત પ્રવાસન વિભાગ ડાંગમાં કોઈ પણ વિકાસના કાર્ય કરવાની હોય તો પહેલા સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં રહી પોતે એન્જિનિયરો સાથે સ્થળ મુલાકાત કરી ભૌગોલિક પરિસ્થિતિ જોઈ લે પછી જ પ્લાન બનાવે અને આયોજનબઘ્ધ રીતે વિકાસ કામો કરે. આ લેખિત ફરિયાદ કલેક્ટરે પ્રવાસન વિભાગને અને મુખ્યમંત્રીને મોકલી હતી. આ ફરિયાદ ધારાસભ્યએ પ્રવાસન મંત્રીને રૂબરૂમાં પણ કરી હોવાનું જાણવા મળે છે.