ગોંડલમાં બે માળનું મકાન ધરાશાયી, 3 લોકો કાટમાળ નીચે દટાયાં, રિનોવેશન વખતે બની ઘટના
Building collapses in Gondal: રાજકોટના ગોંડલથી કરૂણ ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના ગરબી ચોક પાસે આવેલા એક મકાનનું મરામતનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક અગમ્ય કારણોસર મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાઈ ગયા હતા. દટાઈ ગયેલા લોકોમાં એક પુરૂષ અને બે મહિલાઓ સામેલ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ગરબી ચોક પાસે મકાનનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન બે માળનું મકાન અચાનક ધરાશાયી થઇ જતાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા છે. જેમાં એક પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
હાલમાં ફાયર વિભાગની ટીમ જે.સી.બી. મશીનની મદદથી કાટમાળ ખસેડીને દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. આ દુર્ઘટનામાં હજુ એક પુરૂષ અને એક મહિલા કાટમાળ નીચે દટાયેલા છે. જ્યારે એક વૃદ્ધાને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.