મુંબઇના બેંક ઓફિસરને બે ફ્લેટ વેચીને બિલ્ડરોએ ૬૭ લાખનો ચુનો લગાવ્યો
કોબાના પ્રાઇમ લોકેશન પરની સ્કીમમાં
રાજલબ્ધિ હેરીટેજના બિલ્ડરે વેચેલા ફ્લેટ સહિતની સ્કીમ મોર્ગેજ કરીને નાણાં ન ભર્યાં ઃ બેંકની હરાજીની નોટિસ આવતાં જાણ થઇ
મુંબઇ પશ્ચિમમાં અંધેરી વેસ્ટમાં ન્યુ લીંક રોડ પર ઓબેરોઇ
ટાવરમાં રહેતા અને સ્ટાન્ડર્ડ ચાર્ટર બેંકમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નોકરી
કરતાં શિરીષભાઇ શિવકુમાર ગોયલે આ બનાવ સંબંધે ગાંધીનગરમાં ઇન્ફોસિટી પોલીસ
સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજલબ્ધિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ના
ભાગીદાર એવા અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં સોલીટેર બિલ્ડીંગમાં રહેતા દિલીપભાઇ
નાથુભાઇ જૈન અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સમુદ્ર બંગલોઝમાં રહેતા
ભુપેન્દ્રભાઇ રમણભાઇ પટેલના નામ દર્શાવ્યા છે.
પોલીસ સુત્રો મુજબ
શિરીષભાઇએ મુંબઇના બોરીવલીમાં રહેતા મિત્ર રવિ કુંદાલના અમદાવાદ સ્થિત મિત્ર દિલીપ
જૈન સાથે મુલાકાત કરાવી હતી. બાદમાં તેમણે ગાંધીનગરના કોબા વિસ્તારમાં રાજલબ્ધિ
હેરીટેજ સ્કીમમાં ફ્લેટ નંબર એફ ૪૦૨ અને ૪૦૩ ખરીદવાનું નક્કી કર્યુ હતું. ૫૮ લાખ
રૃપિયા ફ્લેટની કિમત અને રૃપિયા ૯ લાખ રજીસ્ટ્રેશન, દસ્તાવેજ તથા મેન્ટેનન્સના નક્કી કરી રૃપિયા ૪૦ લાખ ચેકથી
અને બાકીના રોકડમાં ચૂક્વ્યા હતાં. આરોપીઓ દ્વારા તેમને વેચાણ દસ્તાવેજ પણ કરી
આપવામાં આવ્યો હતો. પરંતુ ફરિયાદીની દિકરી માટે લોન લેવા માટે ફ્લેટ મોર્ગેજ
કરવાના થયાં ત્યારે જરૃરી દસ્તાવેજો આરોપીઓએ આપ્યા ન હતાં. આખરે આરોપીઓએ ઉપરોક્ત
બન્ને ફ્લેટ સહિત સ્કીમ મોર્ગેજ કરીને બેંકમાંથી લોન લીધા બાદ નાણા ભરપાઇ કર્યા
નહીં હોવાથી સ્થાનિક બેંક દ્વારા ફ્લેટની હરાજી કરવા સંબંધે નોટિસ આપવામાં આવી
હોવાની જાણ થઇ હતી.