ખેડાના સેવાલિયામાં સોસાયટીના રહીશો સાથે માથાકૂટ વચ્ચે બિલ્ડરનું ફાયરિંગ, ટોળા સાથે હુમલો
Kheda Sevalia Firing news | ખેડા જિલ્લાના ગળતેશ્વરથી એક ચોંકાવનાર અહેવાલ આવ્યા છે. અહીં સેવાલિયા ખાતે અમીર હમઝા નામની રેસીડેન્સીના બિલ્ડર અને કેજીએન સોસાયટીના રહેવાશીઓ વચ્ચે રોડ-રસ્તા મામલે માથાકૂટ એટલી હદે વધી ગઇ કે બિલ્ડરે સીધું ફાયરિંગ કર્યું હતું. જેના લીધે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. આ સાથે બિલ્ડર 15-20 લોકોનું ટોળું લઇને ધસી આવ્યો હતો અને તોડફોડ મચાવી હતી. તેમના હાથમાં હથિયારો પણ હતા.
કેવી રીતે બની ઘટના?
ફાયરિંગ કરનારા બિલ્ડરની ઓળખ શકીલ હાજી તરીકે થઇ છે જેણે રહીશોની દલીલો સામે ઉશ્કેરાઈને ફાયરિંગ કરી દેતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહિતી અનુસાર સ્થાનિકો બિલ્ડરને રોડ-રસ્તાના ઉપયોગને લઈને રજૂઆત કરવા ગયા હતા અને ત્યારે બિલ્ડર ગુસ્સે થયો હતો.
શું હતો મામલો?
માહિતી અનુસાર અમીર હમઝા રેસીડેન્સીનો બિલ્ડર હાલમાં નવી સાઈટ તૈયાર કરી રહ્યો છે ત્યારે તે અવર-જવર માટે કેજીએન સોસાયટીના રસ્તાનો ઉપયોગ કરતો હતો. જોકે કેજીએન સોસાયટીનો પોતાનો રસ્તો હોવાથી ત્યાં કોઈ પ્રસંગ હોય તો પણ અમીર હમઝા રેસીડેન્સીનો આ બિલ્ડર દબંગાઈ કરતો હતો અને તેમને હેરાનગતિ કરતો હતો. જેનાથી અકળાઇને કેજીએન સોસાયટીના રહેવાશીઓ ફરિયાદ કરવા પહોંચ્યા તો શકીલ હાજી તેના 15-20 ટેકેદારો સાથે તલવાર-લાકડા અને બંદૂક લઈને ચઢી આવ્યો હતો અને કેજીએન સોસાયટીના લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કરીને તેમને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જ ફાયરિંગની ઘટના પણ બની હતી.