Get The App

બુધેલ-વરતેજ રોડ અતિ બિસ્માર, 10 કિ.મી.નું અંતર કાપવા પોણો કલાક જેટલા સમયનો વેડફાટ

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
બુધેલ-વરતેજ રોડ અતિ બિસ્માર, 10 કિ.મી.નું અંતર કાપવા પોણો કલાક જેટલા સમયનો વેડફાટ 1 - image


- તાત્કાલિક રિપેરીંગ કામ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે

- ડાયવર્ઝન અપાયેલો કોઝ-વે સાંકળો હોવાથી ટ્રાફિકની સમસ્યા કાયમી બની, બે-બે કિ.મી. જેટલી વાહનોની થતી લાંબી લાઈનો

ભાવનગર : બુધેલ-વરતેજ રોડ ૨૪ કલાક મોટા વાહનોથી ધમધમતો રહે છે. આ રસ્તો એટલી હદે બિસ્માર થઈ ગયો છે કે, વાહનચાલકોનો ૧૦ કિ.મી.નો રૂટ કાપવા માટે પોણો કલાક જેટલો સમયનો વેડફાટ થઈ રહ્યો છે. આ ઉપરાંત લાખણકા ડેમના પુલ ઉપર ચાલી રહેલા રિપેરીંગ કામના કારણે જે ડાયવર્ઝન અપાયું છે, તે કોઝ-વે સાંકળો હોવાના કારણે ટ્રાફિકની કાયમી સમસ્યા રહે છે.

ઉના, રાજુલા, પીપાવાવ, મહુવા, તળાજા, અલંગ તરફથી આવતા વાહનો માટે બુધેલ-વરતેજ રોડ ભાવનગર જવા બાયપાસ હોવાથી આ રસ્તો અત્યંત વ્યસ્ત રહે છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ રસ્તાની છેલ્લા કેટલાક સમયથી હાલત બિસ્માર બની ગઈ હોવાથી વાહનચાલકો તોબા પોકારી જાય છે. રસ્તો અતિ બિસ્માર હોવાથી ઘણી વખત ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ છે. તેમજ બુધેલ-વરેજ રોડ પર લાખણકા ડેમના પુલનું હાલ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રિપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે બાજુમાં રહેલા જૂના કોઝ-વે પર વાહનો માટે ડાયવર્ઝન અપાયું છે. જે-તે સમયે ડાયવર્ઝન અપાઈ રહ્યું હતું. ત્યારે કોઝ-વેને પહોળો કરવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓને જાણ કરાઈ હતી. પરંતુ તેમ છતાં સાંકડા કોઝ-વે ઉપર જ ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો હતો. જેના કારણે અવાર-નવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે અને એક-બે કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈનો પણ લાગે છે. આ કારણે ઈંધણ, સમયનો વેડફાટ થતો હોય, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાખણકા ડેમનો પુલ જર્જરીત હોય, તેને રિપેરીંગ કરવાના બદલે નવો અને પહોળો બનાવવો અત્યંત જરૂરી છે. રસ્તાની બિસ્માર હાલત અને પુલ બાબતે બુધેલના પૂર્વ સરપંચે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા ચિમકી ઉચ્ચારી હતી.


Google NewsGoogle News