આજથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ગાંધીનગર પોલીસ છાવણી ફેરવાઇ જશે, રેલી ધરણા ઉપર તંત્રની ચાંપતી નજર
Gujarat Budget session 2025: આજથી એટલે કે 19 ફેબ્રુઆરીથી બપોરે 12 વાગ્યે વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે. રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્રનો આરંભ થશે. રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંધ,કડીના ધારાસભ્ય સ્વ. કરસન સોલંકી સહીત પૂર્વ ધારાસભ્યોને શ્રધાંજલિ આપશે.
વિધાનસભાના બજેટ સત્રને ધ્યાનમાં રાખી ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે. પાટનગરના પ્રવેશદ્વારો ઉપર સતત વાહન ચેકિંગની સાથે સત્યાગ્રહ છાવણી સહિત મુખ્ય સર્કલો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ખાસ કરીને રેલી ધરણા ઉપર તંત્રની ચાંપતી નજર રાખવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે 19 ફેબ્રુઆરીથી 28માર્ચ સુધી મળવાનું છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લાઓના પોલીસ જવાનો તેમજ એસઆરપી જવાનોને ફરજ સોંપવામાં આવી છે.
વિધાનસભા ગૃહની અંદર ગાંધીનગર પોલીસના જવાનો સાર્જન્ટની ભૂમિકામાં ફરજ બજાવશે તો સચિવાલય સંકુલમાં પણ સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અહીં પ્રવેશ વગર કોઈને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. સત્રને લઈ શહેરના પ્રવેશદ્વારો ઉપર પણ સઘન વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. ગાંધીનગરમાં સત્ર દરમિયાન સ્વૈચ્છિક સામાજિક સંગઠનોની સાથે સરકારી કર્મચારીઓ પણ પોતાની માંગણી લઈને ગાંધીનગરમાં રેલી ધરણા ના કરે તે માટે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવનાર છે. જે માટે સત્યાગ્રહ છાવણીની સાથે શહેરના મુખ્ય સર્કલો ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.
ગાંધીનગર પોલીસ દ્વારા તૈયાર કરાયેલા બંદોબસ્ત પ્રમાણે 6 ડીવાયએસપી, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 સબ ઇન્સ્પેક્ટર તેમજ 660થી વધુ જવાનોને ફરજ સોંપવામાં આવશે. આ ઉપરાંત એસઆરપીની પણ મદદ લેવામાં આવશે.