ઢાબા માલિક દ્વારા યુવાનની તેના ભાઈ અને મિત્રોની નજર સામે જ ક્રૂર હત્યા
રાજકોટના સર્વેશ્વર ચોક નજીક દિવાળીની રાત્રે લોહીની છોળો ઊડી : પંજાબી ઢાબાના માલિકે યુવક પર ફટાકડાની લુમ ફેંકયા બાદ ઝઘડો થતાં તેનું સમાધાન થયા પછી લોહીની હોળી ખેલી
રાજકોટ, : રાજકોટના સતત ધમધમતા સર્વેશ્વર ચોકમાં દિવાળીની રાત્રે લોહીની છોળો ઉડી હતી પંજાબી ઢાબાના માલીકે એક યુવક પર ફટાકડાની લુમ ફેંકતાં થયેલા ઝઘડામાં સમાધાન થઈ ગયા પછી પણ છરીનો ઘા ઝીંકી યુવકની હત્યા કરી નાખી હતી. જયારે અન્ય બે યુવાનો પર પણ છરીથી હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. આરોપી ભાગી જતાં એ-ડિવીઝન પોલીસે તેની શોધખોળ શરૃ કરી છે.
બજરંગવાડીના પુનિતનગર શેરી નં. 13માં રહેતાં પ્રકાશ જયંતીભાઈ સરવૈયા (ઉ.વ. 21)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે અને તેનો મોટોભાઈ કાર્તીક (ઉ.વ. 27) આઈ.ટી.સી. કંપનીમાં નોકરી કરે છે. પિતાને રેસકોર્સ પાસેના ચબુતરા પાસે બાલાજી નામની ભેળની લારી છે. તે અને તેનો ભાઈ નવરાશના સમયે પિતાની લારીએ મદદ કરવા જતા હતા.
ગઈકાલે રાત્રે પણ બંને ભાઈઓ પિતાની લારીએ ગયા હતા. રાત્રે આશરે 12.45 વાગ્યે તેણે મિત્ર મિત ભટ્ટને કોલ કરતા તેણે કહ્યું કે તમે સર્વેશ્વર ચોક ખાતે આવો. જેથી તે મોટાભાઈ કાર્તીક ઉપરાંત માસીના પુત્ર કેતન વોરા સાથે ફટાકડા ફોડવા માટે સર્વેશ્વર ચોકમાં ગયો હતો. તે વખતે મિત્ર મિત ઉપરાંત તેના મિત્રો હેમલ વિઠ્ઠલાણી, શોયેબ રામોદીયા અને શાહીદ સહિતનાઓ હતા. બધા ભેગા મળી પંચમીયા કરીયાણાની દુકાન પાસે ફટાકડા ફોડતાં હતા. તે વખતે ત્યાં નજીકમાં આવેલા બલી'સ પંજાબી ઢાબાનો માલીક અમરદિપસિંગ ઉર્ફે બાલી ઉર્ફે બલી પણ ફટાકડા ફોડતો હતો. અચાનક બાલીએ ફટાકડાની એક લુમ તેના ભાઈ કાર્તીક ઉપર નાંખી હતી. પરંતુ બાલી તેના મિત્ર મિતનો મિત્ર હોવાથી કાંઈ બોલ્યા ન હતા. થોડી વાર બાદ બાલીએ ફરીથી તેના ભાઈ કાર્તીક ઉપર ફટાકડાની લુમ નાંખી હતી. જેને કારણે તેના ભાઈ કાર્તીક અને માસીના પુત્ર કેતનને બાલી સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે વખતે મિત અને તેનો મિત્ર હેમલ વચ્ચે પડતાં બાલી સાથે સમાધાન પણ થઈ ગયું હતું. જેને કારણે બાલી ત્યાંથી જતો રહ્યો હતો.
રાત્રે આશરે 1.15 વાગ્યે તે, તેનો ભાઈ અને મિત્રો જાગનાથ શેરી નં. 20/21ના ખુણા પાસે કાવેરી કોમ્પ્લેક્ષની નીચે ઉભા હતા ત્યારે બાલી અચાનક ગોલ્ડન કલરની ઈનોવા કાર લઈ ઘસી આવ્યો હતો. તેણે તેના ભાઈ કાર્તીક તથા તેના પક્ષના અન્યોને મારી નાખવાના ઈરાદે તેમની ઉપર કાર ચડાવવાની કોશિષ કરી હતી. ત્યાર પછી કાર ઉભી રાખી તેમાંથી નીચે ઉતરી તેના ભાઈ કાર્તીક પાસે ઘસી આવ્યો હતો અને તેના છાતીના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. જેથી તે અને તેનો માસીનો દીકરો કેતન બચાવવા વચ્ચે પડતાં બાલીએ તેના પેટ અને છાતીની વચ્ચેના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જયારે કેતનને સાથળના ભાગે છરીનો ઘા ઝીંકી ઈનોવામાં ભાગી ગયો હતો.
હુમલામાં તેના ભાઈ તેને અને માસીના પુત્રને ગંભીર ઈજા થતાં સાથે રહેલા મિત્રો પ્રાઈવેટ વાહનમાં સિવીલ લઈ ગયા હતા. જયાં વહેલી સવારે પાંચેક વાગ્યે તેના મોટાભાઈ કાર્તીકે દમ તોડી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં એ-ડિવીઝન પોલીસ સ્થળ પર અને સિવીલ દોડી ગઈ હતી. પોલીસે બાલી ઉર્ફે બલી સામે ખુનનો ગુનો નોંધ્યો હતો. તે જાગનાથમાં રહે છે. જયાં પોલીસે તપાસ કરતાં મળી આવ્યો ન હતો. જેથી તેની શોધખોળ જારી રાખી છે. હત્યામાં તેણે ખરેખર છરીનો ઉપયોગ કર્યો કે બીજા કોઈ હથિયારનો તે અંગે તે પકડાયા પછી જ સ્પષ્ટતા થશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.