સુરતમાં ગજેરા સર્કલ પાસે BRTS બસે 8 વાહનોને અડફેટે લીધા, 2ના મોતની આશંકા, ઉશ્કેરાયેલા ટોળાએ બસમાં કરી તોડફોડ
Surat BRTS Bus Accident : સુરત અને અમદાવાદમાં BRTS દ્વારા અવાર-નવાર લોકોને કચડી નાખવાની ઘટનાઓ બનતી રહે છે. BRTS બસોના ડ્રાઈવરો કોઈ ડર વિના જ બેફામ બસ ચલાવે છે અને તેનો ભોગ સામાન્ય જનતા બને છે. ત્યારે હવે સુરતમાં મોટા અકસ્માતની ઘટના બની છે.
સુરતમાં BRSTએ આઠ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. કતારગામના ગજેરા સર્કલ નજીક આ બનાવ બન્યો છે. BRTS બસની અડફેટે બાઈક, રિક્ષા સહિતના વાહનનો અડફેટે આવ્યા હતા. જે ઘટનામાં બે લોકોના મોતની આશંકા છે. જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી છ ઈજાગ્રસ્તોને કિરણ હોસ્પિટલ અને એક ઈજાગ્રસ્તને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે.
શિક્ષણ મંત્રી પહોંચ્યા હોસ્પિટલ
તો બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ધારાસભ્ય કાંતિ બલર હોસ્પિટલ પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રીએ આ અંગે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી. મેયર પણ થોડીવારમાં હોસ્પિટલ પહોંચશે.
મહત્વનું છે કે, ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી તો ભીડને દૂર કરવા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ અકસ્માત સર્જાતા સમગ્ર બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો છે.