જેતપુરનાં થાણાગાલોળ ગામે છરીનાં ઘા ઝીંકી ભાઇનાં હાથે ભાઇની હત્યા

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
જેતપુરનાં થાણાગાલોળ ગામે છરીનાં ઘા ઝીંકી ભાઇનાં હાથે ભાઇની હત્યા 1 - image


ધાર્મિક ઉત્સવનાં હીસાબ બાબતે ચાલતા મનદુઃખનો કરૂણ અંજામ : 1 વર્ષ પહેલા યોજેલા માંડવાના હીસાબ બાબતે ચર્ચા કરવા યુવાનને બોલાવીને હત્યા કરનાર પિતરાઇ ભાઇને સકંજામાં લઇને પોલીસ દ્વારા પુછતાછ

જેતપુર, : જેતપુરના થાણાગાલોળમાં મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો. 32 વર્ષીય યુવાનની હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક વર્ષ પહેલાં ગામમાં આવેલા વેલનાથ મંદિરે થયેલા માંડવાના આયોજનનો હિસાબ રાખનાર રણજિત મકવાણાને તેના પિતરાઈ ભાઈ અશોક મકવાણાએ મોડી રાત્રે હિસાબ મામલે ચર્ચા કરવા બોલાવી છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે આરોપીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ જેતપુરના થાણાગાલોળ ગામે રહેતાં મિલનભાઈ મગનભાઈ મકવાણા (ઉ. 29)એ તેના ભાઈ રણજીતની હત્યા અંગે પિતરાઇભાઇ અશોક વજુ મકવાણા સામે જેતપુર તાલુકા પોલીસમાં હત્યાની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મજુરી કામ કરે છે. ત્રણ ભાઇઓમાં સૌથી મોટો રૂપસીંગભાઈ તેનાથી નાનો રણજીત હતો, પિતાનું ત્રણેક વર્ષ પહેલા અવસાન થયું છે. ગત રાત્રે ઘરે જમીને બેઠા હતાં. ત્યારે તેનો મોટોભાઈ રણજીત ઘરે આવેલો અને તુરંત જ બહાર જતો રહ્યો હતો.  થોડીવાર બાદ તેના મિત્ર વિજય કિડીયાનો ફોન આવેલ અને કહેલ કે 'તારો ભાઈ રણજીત અને અશોક મકવાણા બંને મેલડીમાના મંદિરે જવાના રસ્તે ઝગડો કરે છે અને રણજીત ત્યાં જ જમીન પર પડી ગયો છે. તેને લોહી નીકળે છે, જેથી તું જલદી અહીં આવ.' તેવી વાત કરતા તે બાઈક લઈ મંદિરે જવાના કાચા રસ્તે ગયેલ અને જઈને જોયું તો ત્યાં અશોક હાજર હતો અને તેનો ભાઈ રણજીત જમીન પર પડેલો હતો. તેને જોઈ અશોક તેનું બાઈક લઈ થાણાગાલોળ બાજુ ગામમાં ભાગી ગયો હતો. 

અન્ય મિત્રોને બોલાવી રણજિતને લોહીલુહાણ હાલતમાં પ્રથમ જેતપુર ખાનગી હોસ્પિટલ ખાતે અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી બનાવનું કારણ એવું છે કે, સવા વર્ષ પહેલા ગામમા સમસ્ત કોળી સમાજ વેલનાથ મંદિરે માંડવા કરવાનું આયોજન કરેલ હતું. જેમાં માંડવાના ખર્ચ માટે એક કમિટી બની હતી. ખર્ચનો વહિવટ તેનો ભાઈ રણજીત પાસે હોય અને અશોક આ માંડવામાં થયેલા ખર્ચ બાબતે અવાર નવાર હિસાબ માંગતો હતો. અને કહેતો હતો કે 'તું, માતાજીના માંડવામા થયેલ ફાળાના પૈસા ખાઇ ગયો છો.' જે બાબતે અવાર નવાર મૃતક રણજીત સાથે ઝગડો કરતો હતો અને તે બાબતે ચર્ચા કરવા માટે બોલાવી રણજીતને તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. જેતપુર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઘટના સ્થળેથી છરી કબ્જે કરી હતી. તેમજ આરોપી અશોક મકવાણાને સકંજામાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી છે.



Google NewsGoogle News