Get The App

સગા ભાઈને આપઘાતની દુષ્પ્રેરણામાં ભાઈ-ભાભીને પાંચ વર્ષની સખતકેદ

મીલમાં સુપરવાઈઝરની નોકરી કરતાં 31 વર્ષના નાનાભાઈના લગ્ન કરવાને બદલે પગાર પડાવી લઈ પુરતું ખાવા ન આપી માર મારતા હતા

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
સગા ભાઈને આપઘાતની દુષ્પ્રેરણામાં ભાઈ-ભાભીને પાંચ વર્ષની સખતકેદ 1 - image


સુરત

મીલમાં સુપરવાઈઝરની નોકરી કરતાં 31 વર્ષના નાનાભાઈના લગ્ન કરવાને બદલે પગાર પડાવી લઈ પુરતું ખાવા ન આપી માર મારતા હતા

15 વર્ષ પહેલાં ઉધના ખાતે રામનગર સોસાયટીમાં રહેતા 31 વર્ષીય અપરણીત યુવાન ભાઈને ત્રાસ આપી આત્મહત્યાન દુષ્પ્રેરણા આપનાર આરોપી સગા મોટાભાઈ-ભાભીને આજે મુખ્ય  જિલ્લા સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ ઈપીકો-306 સાથે વાંચતા 114ના ગુનામાં દોષી ઠેરવી પાંચ વર્ષન સખ્તકેદ,રૃ.10 હજાર દંડ ન ભરે તો વધુ એક માસની કેદ તથા સહઆરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુુકમ કર્યો  છે.

ઉધના ખાતે રામનગર સોસાયટી વિભાગ-2 પ્લોટ નં.51માં રહેતા ફરિયાદી નરેશ પોપટલાલ જરીવાલાએ ગઈ તા.19-1-2009ના રોજ પોતાના સગા નાનાભાઈ 31 વર્ષીય કલ્પેશ જરીવાલાને માર મારી ત્રાસ આપીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ પોતાના 47 વર્ષીય રત્નકલાકાર મોટાભાઈ જગદીશ પોપટલાલ જરીવાલા,ભાભી ધર્મિષ્ઠાબેન,તેના મિત્રો કિશોર કાંતિલાલ જરીવાલા(રે.ખટોદરા ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી, જુની સબ જેલ પાસે),દેવેન્દ્ર ગમનભાઈ જરીવાલા(રે.નેમીનાથ નગર,પરવત પાટીયા),હરીશ અમૃત્તભાઈ કિનારીવાલા(રે.ક્રિષ્ના રેસીડેન્સી,અમરોલી રોડ) વિરુધ્ધ ઉધના પોલીસમાં ઈપીકો-306 સાથે વાંચતા 114 ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ફરિયાદીના 31 વર્ષીય અપરણીત નાનાભાઈ કલ્પેશ જરીવાલા આરોપી મોટાભાઈ જગદીશ તથા ભાઈ ધર્મિષ્ઠા જરીવાલા સાથે રહેતા હતા. મરનાર નારાયણ મીલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતાં હોઈ તેનો પગાર આરોપી ભાઈ-ભાભી પડાવી લઈને પુરતું ખાવાનું આપતા નહોતા.તદુપરાંત ઉંમરલાયક થઈ જવા છતાં મરનાર કલ્પેશની લગ્ન માટેની કોઈ કાર્યવાહી હાથ  ધરવાને બદલે સહઆરોપીઓ કિશોર જરીવાલા,દેવેન્દ્ર જરીવાલા, તથા હરીશ  કીનારીવાલાના મેળાપિપણામાં ફરિયાદીના મૃતક ભાઈ કલ્પેશને માર મારીને ત્રાસ આપતા હતા.જે અંગે ફરિયાદીના અન્ય ભાઈ-ભાભીને મરનારે વાત કરીને ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી હતી.પરંતુ તેમણે સગા ભાઈ-ભાઈ વિરુધ્ધ ફરિયાદ ન કરવા સમજાવીને સૌ સારુ થઈ રહેશે તેવું જણાવ્યું હતુ.જો કે મરનાર કલ્પેશ પોતાના ભાભી મિનાક્ષીબેનને એક ચીઠ્ઠી આપી ઉપરોક્ત તમામ આરોપીઓનો નામજોગ ત્રાસનો ઉલ્લેખ કરીને  તા.16-1-2009ના રોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવનદોરી ટુંકાવી લીધી હતી.

જેથી ઉધના પોલીસે જેલભેગા કરેલા આરોપીઓ વિરુધ્ધનો કેસ અંતિમ સુનાવણી પર આવતાં સરકારપક્ષે એપીપી સુશ્રી વર્ષા પંચાલ તથા વીથ પ્રોસિક્યુશન ધર્મેન્દ્ર માટલીવાલાએ કુલ 14 સાક્ષી તથા 17 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે મૃત્તકના આરોપી મોટાભાઈ જગદીશ જરીવાલા તથા ભાભી ધર્મિષ્ઠાબેનને ઈપીકો-306 સાથે વાંચતા 114ના ગુનામાં દોષી ઠેરવ્યા હતા.જ્યારે  અન્ય સહઆરોપીઓ વિરુધ્ધ દુષ્પ્રેરમાન કોઈ તત્વો પુરવાર થતાં ન હોઈ તેમને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધના ગુનાની ગંભીરતા,સમાજ વિરોધી ગુનાનો પ્રકાર તથા સમાજ પર પડનારી અસરને ધ્યાને લઈ આરોપીઓને સજા કરવી ન્યાયના હિતમાં છે.


suratcourt

Google NewsGoogle News