Get The App

દલાલે જરીના વેપારી પાસેથી માલ ખરીદી બાકી પેમેન્ટ રૂ.17.24 લાખ ચુકવ્યું નહીં

પાલનપુર પાટીયાના દલાલ ભુમેશ રવજીયાણીએ જે બે વેપારીના સરનામે માલ મંગાવ્યો હતો તે અન્ય કોઈના ખાતાનું સરનામું હતું

ટેમ્પો ચાલક અને શ્રમજીવીને બોગસ વેપારી બનાવનાર દલાલ સહિત ચાર વિરુદ્ધ જરીના વેપારીએ ફરિયાદ નોંધાવતા ડીંડોલી પોલીસે એકની ધરપકડ કરી

Updated: Mar 3rd, 2025


Google NewsGoogle News
દલાલે જરીના વેપારી પાસેથી માલ ખરીદી બાકી પેમેન્ટ રૂ.17.24 લાખ ચુકવ્યું નહીં 1 - image


- પાલનપુર પાટીયાના દલાલ ભુમેશ રવજીયાણીએ જે બે વેપારીના સરનામે માલ મંગાવ્યો હતો તે અન્ય કોઈના ખાતાનું સરનામું હતું

- ટેમ્પો ચાલક અને શ્રમજીવીને બોગસ વેપારી બનાવનાર દલાલ સહિત ચાર વિરુદ્ધ જરીના વેપારીએ ફરિયાદ નોંધાવતા ડીંડોલી પોલીસે એકની ધરપકડ કરી


સુરત, : સુરતના ડીંડોલી શ્રી હરીનગરમાં જરીનો વેપાર કરતા યુવાન વેપારી સમક્ષ ટેમ્પો ચાલક અને શ્રમજીવીને બોગસ વેપારી બનાવી પાલનપુર પાટીયાના દલાલે માલ ખરીદી બાકી પેમેન્ટ રૂ.17.24 લાખ નહીં ચુકવતા ડીંડોલી પોલીસે દલાલ સહિત ચાર વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી એકની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી ખરવાસા રોડ મીલેનીયમ પાર્ક મકાન નં.એચ/547 માં રહેતા 35 વર્ષીય યોગેશભાઈ એકનાથભાઈ સાવંત ડીંડોલી સી.આર.પાટીલ રોડ શ્રી હરીનગર પ્લોટ નં.235 માં બાલાજી એન્ટરપ્રાઈઝના નામે જરીનો વેપાર કરે છે.રાંદેર રોડ પાલનપુર પાટીયા ગુજરાત હાઉસીંગ બોર્ડ મકાન નં.48/340 માં રહેતો 31 વર્ષીય પરિચિત દલાલ ભુમેશ કનૈયાલાલ રવજીયાણી ગત 12 મે 2024 ના રોજ યોગેશભાઈની ઓફિસે આવ્યો હતો અને જય કલ્યાણ જરીના ઘનશ્યામભાઇ છગનલાલ બોખાર (પટેલ) ના નામે ઓર્ડર આપી તેની સાથે ફોન પર વાત કરાવી વેપાર શરૂ કર્યો હતો.શરૂઆતમાં તેનું પેમેન્ટ બરાબર આવ્યું હતું.પણ બાદમાં ખરીદેલા માલમાંથી રૂ.5,01,383 નું પેમેન્ટ બાકી હતું.

આ રીતે જ ભુમેશે ગુરુ એન્ટરપ્રાઈઝના ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ઘર્મેશભાઇ બાબુલાલ પટેલ સાથે વેપાર શરૂ કરાવી તેનું પણ પેમેન્ટ શરૂઆતમાં સમસયર કરાવી બાદમાં રૂ.12,23,102 નું પેમેન્ટ બાકી રાખ્યું હતું.બંનેનું પેમેન્ટ કરવાના ભુમેશે વાયદા કરી બાદમાં તેણે ફોન ઉપાડવાનું બંધ કરતા યોગેશભાઈ ધર્મેશ પટેલના ભેસ્તાન ભગવતી ઈન્ડસ્ટ્રીઝના ખાતા ઉપર ગયા ત્યારે ત્યાં તે નામથી કોઈ ખાતું નહોતું.આથી ભુમેશને ફોન કરતા તેણે યોગેશભાઈને લીંબાયત જયનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં બોલાવી દીપક કેશુભાઇ સાવલીયા સાથે મુલાકાત કરવી હતી અને તેની ઓળખાણ ધર્મેશના ભાઈ તરીકે આપી હતી.દીપકે ધર્મેશ વતન ગયો છે અને તમારું પેમેન્ટ સાત દિવસમાં મળી જશે તેમ કહી યોગેશભાઈને રવાના કરી દીધા હતા.

યોગેશભાઈએ ત્યાર બાદ ઘનશ્યામ પટેલના જીએસટી બિલના સરનામાના આધારે ભાઠેનામાં તપાસ કરી તો ત્યાં ઘનશ્યામ પટેલનું કોઈ ખાતું નહોતું.આથી તે લીંબાયત જયનારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં જ્યાં દીપકને મળ્યા હતા ત્યાં જઈ તપાસ કરી તો બે ભાઈ મળ્યા હતા અને તેઓ તે ખાતાના માલિક હતા.તે પણ ધર્મેશનું ખાતું નહોતું અને દીપક ત્યાં ટેમ્પો ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું.દીપકને બોલાવી આ અંગે પૂછતાં તેણે કબુલ્યું હતું કે ભુમેશે તેને રૂ.5 હજાર આપી તેવું કહેવા કહ્યું હતું કે કોઈ ગુરુ એન્ટરપ્રાઈઝના નામે પૂછવા આવે ત્યારે તેને શેઠ બહાર છે તેમ કહી રવાના કરી દેવાના.બાદમાં ભુમેશે ઘનશ્યામ અને ધર્મેશની સાથે મુલાકાત કરાવી ત્યારે ખુલાસો થયો હતો કે બંનેએ નહીં ભુમેશે તેમના નામે જરીનો માલ લીધો હતો.

દલાલે જરીના વેપારી પાસેથી માલ ખરીદી બાકી પેમેન્ટ રૂ.17.24 લાખ ચુકવ્યું નહીં 2 - image

આથી છેવટે યોગેશભાઈએ ગતરોજ ભૂમેશ ઉપરાંત મજૂરીકામ કરતા ઘનશ્યામભાઇ છગનલાલ બોખાર (પટેલ) ( ઉ.વ.48, રહે.ફ્લેટ નં. સી-2, મકાન નં.404, પ્રયોશા સ્ટાર, ખરવાસા રોડ, ડીંડોલી, સુરત ), નોકરીયાત ધર્મેન્દ્રકુમાર ઉર્ફે ઘર્મેશભાઇ બાબુલાલ પટેલ ( ઉ.વ.46, રહે.મકાન નં.1391, ઓમનગર, ડીંડોલી, સુરત ) અને ટેમ્પો ચાલક દીપક કેશુભાઇ સાવલીયા ( રહે.રચના સોસાયટી, કાપોદ્રા, સુરત ) વિરુદ્ધ રૂ.17,24,485 ની ઠગાઈની ફરિયાદ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે મૂળ પાટણ સિદ્ધપુરના બીલીયાના વતની ધર્મેદ્રકુમાર ઉર્ફે ધર્મેશ બાબુલાલ પટેલની ધરપકડ કરી છે.વધુ તપાસ પીએસઆઈ ડી.એ.ગોહિલ કરી રહ્યા છે.


Google NewsGoogle News