કડીમાં નર્મદાની કેનાલ પરનો બ્રિજ સમારકામ દરમિયાન તૂટ્યો, JCB પણ પાણીમાં ખાબક્યું, સદનસીબે જાનહાનિ ટળી
Kadi News : મહેસાણાના કડી તાલુકાના કરણનગર અને બોરીસણા ગામને જોડતા નર્મદા કેનાલ પરના બ્રિજનું આજે શુક્રવારે સમારકામ ચાલી રહ્યું હતું, આ દરમિયાન મોટ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સમારકામ ચાલી રહ્યું હતું, તેવામાં બ્રિજ વચ્ચેનો ભાગ તૂટી પડતાં બ્રિજ પર રહેલું JCB કેનાલમાં ખાબક્યું હતું. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સમગ્ર ઘટના અંગે અધિકારીઓને જાણ થતાની સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
કડીમાં સમારકામ દરિયાન બ્રિજ પડ્યો, JCB કેનાલમાં ખાબક્યું
મહેસાણાના કડી તાલુકાના કરણનગર અને બોરીસણા ગામને જોડતા નર્મદા કેનાલ પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. જેને લઈને તંત્રને જાણ થતાં નર્મદા વિભાગે આ બ્રિજ બંધ કરી દીધો હતો. જ્યારે આ બ્રિજનું છેલ્લા ત્રણ દિવસથી સમારકામ ચાલી રહ્યું હતું. બ્રિજના સમારકામની કામગીરી દરમિયાન બ્રિજ તૂટી પડ્યો હતો. બ્રિજ પડ્યો એ પહેલા સમારકામની કામગીર માટે લવાયેલા JCBનું પંચર પડતાનું ટાયર ખોલીને સમારકામ કરનારા ત્યાંથી નીકળી ગયા હતા. આ દરમિયાન બ્રિજ પડતાં JCB કેનાલમાં ખાબક્યું હતું.
સમગ્ર ઘટનાને પગલે નર્મદા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે, બ્રિજ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી કોઈપ્રકારની જાનહાનિ થઈ ન હતી.