પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે કન્યાના ૯ તોલા દાગીના ભરેલા પર્સની ચોરી
લગ્નમાં વીડિયો શૂટિંગ કરનાર કેમેરા મેનના રેકોર્ડિંગને ચેક કરી આરોપીની શોધખોળ હાથ ધરાશે
વડોદરા,આજવા ચોકડી પાસે લક્ષ્મી સ્ટુડિયોના પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાંથી સોનાના અંદાજે ૯ તોલા વજનના દાગીના ભરેલું પર્સ ચોર લઇ ગયો હતો. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મધ્યપ્રદેશના ઇન્દૌર ખાતે રોબોટ્સ સ્ક્વેર રીંગ રોડ પર શુભ લાભ હાઇટ્સમાં રહેતા રાજેન્દ્રકુમાર મધુકરભાઇ પારખીની દીકરી મનાલીનું લગ્ન સોમા તળાવ તરસાલી રીંગ રોડ પર બંસલ મોલની સામે દર્શનમ પર્લમાં રહેતા મુણાલ દેવધરભાઇ સાથે ચાર મહિના અગાઉ નક્કી થયા હતા. ૪ થી તારીખે આજવા ચોકડી પાસે લક્ષ્મી સ્ટુડિયો ખાતે નક્કી કર્યા હતા. ૩ જી તારીખે સવારે ૭ વાગ્યે સગા સંબંધીઓ લક્ષ્મી સ્ટુડિયોમાં આવીને રોકાયા હતા. બીજે દિવસે ૪ થી તારીખે સવારે ૧૦ વાગ્યાથી લગ્નની વિધિ શરૃ થઇ હતી. બપોરે ૧૨ વાગ્યે મંડપમાં બેસાડવાનું મુહૂર્ત હોઇ સગા સંબંધીઓ મંડપમાં ભેગા થયા હતા. રાજેન્દ્રકુમારે દીકરીને લગ્નમાં ભેટ આપવાના દાગીના ભરેલું પર્સ ભાભી જ્યોતિબેન પારખીને આપ્યું હતું. તેઓએ પર્સ સોફાની બાજુમાં મૂક્યું હતું. પોણા એક વાગ્યે તેઓને જાણ થઇ હતી કે, દાગીના ભરેલું પર્સ ગાયબ છે. રાજેન્દ્રકુમાર તથા અન્ય સંબંધીઓએ આજુબાજુમાં તપાસ કરતા પર્સ મળી આવ્યું નહતું. પર્સમાં સોનાના અંદાજે ૯ તોલા દાગીના, રોકડા રૃપિયા અને મોબાઇલ ફોન હતા. ઉલ્લેખનીય છે કે, ૯ તોલા વજનના સોનાના દાગીનાની બજાર કિંમત હાલ સાડા સાત લાખ થાય. પરંતુ, પોલીસે દાગીનાની કિંમત માત્ર ૨.૬૫ લાખ જ ગણી છે. લગ્નમાં વીડિયો શૂટિંગ કરનાર કેમેરામેન બહાર ગયો હોવાથી ફૂટેજ મળ્યા નથી. તે પરત આવ્યા પછી પોલીસ દ્વારા વીડિયો રેકોર્ડિંગ ચેક કરીને આરોપીની શોધખોળ શરૃ કરવામાં આવશે.