લગ્નના બદલામાં સિહોરના યુવક પાસેથી રૂ. 1.45 લાખ મેળવી દુલ્હન ફરાર
- સિહોર પોલીસ મથકમાં 3 મહિલા સહિત 6 શખ્સો સામે ફરિયાદ
- ગારિયાધારમાં લગ્ન કર્યાં અને 20 દિવસ સુધી સાથે રહ્યાં બાદ મોહિની નામની યુવતી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી
સિહોર તાલુકાના ભોળાદ ગામે રહેતા વિનોદભાઈ શામજીભાઈ બોરિચાએ સિહોર પોલીસ મથકમાં હિંમત નાગજીભાઈ સોંદરવા, સંજય નાનજીભાઈ વાળસુર, હરેશ માધડ, મુનીબેન હિંમતભાઈ સોંદરવા (તમામ રહે.સાવરકુંડલા, જિ.અમરેલી) અને મોહિની માણેકરાવ વાનખેડે તથા નયનાબેન (બન્ને રહે. સુરત) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ ૨૦૨૩ના દિવાળી તહેવાર પહેલા સાવરકુંડલાવાળા ઉક્ત હિંમતભાઈ લગ્ન કરાવતા હોય જેમને લગ્નની વાત કરતા તેમણે મોહિની માણેકરાવ તેમની ધર્મની બહેન માનેલી હોય અને તેની સાથે લગ્ન લગ્ન કરાવી આપવાની વાત કરી હતી. જે બાદ પરિચય કરાવ્યા બાદ લગ્નના બદલામાં રૂ.૧,૪૫,૦૦૦ ઉક્ત હિંમતભાઈ, સંજયભાઈ, હરેશભાઈ, મોહિની અને નયનાબેનને આપવાનું નક્કી થયું હતું અને એડવાન્સ રોકડા રૂ.૨૦ હજાર આ લોકોને આપ્યા હતા અને તેના થોડા મહિના બાદ ગારિયાધાર ગાયત્રીમંદિર ખાતે ફુલહાલ લગ્ન કર્યાં હતા અને બાકીના રૂ.૧.૨૫ લાખ રોકડા ઉક્ત લોકોને આપ્યા હતા. આ અંગે તેમણે લગ્ન રજિસ્ટર કરાવ્યા નહોતા. લગ્ન બાદ મોહિનીને તેમની સાથે ગામમાં લાવી સાથે રહેતા હતા અને ૨૦ દિવસ તેઓ સાથે રહ્યાં હતા. બાદમાં ગત ૧૦-૦૩-૨૦૨૪ના રોજ રાત્રે ૯ કલાકે મોહિની વાનખડે કોઈને જાણ કર્યાં વિના ઘરેથી જતી રહી હતી. જે બાદ તેમણે તપાસ કરતા મોહિની વાનખેડે કુંવારી હોવાનું ખોટું જણાવી લગ્ન કરાવી ઉક્ત લોકોએ રૂ.૧.૪૫ લાખ મેળવી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. આ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.