PF ઇન્સ્પેક્ટરની નફ્ફટાઇ, ૪૦ હજાર આપ્યા છે, હજી ૨૦ હજાર આપવાના છે
પીએફ ઇન્સ્પેક્ટરને સાથે રાખી અકોટા ખાતેના ઘરમાં આજે એસીબી દ્વારા સર્ચ કરાશે
વડોદરા, તા.25 વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી પીએફ કચેરીના એન્ફોર્સમેન્ટ ઓફિસર (પીએફ ઇન્સ્પેક્ટર) બિનોદકુમાર શર્મા રૃા.૪૦ હજારની લાંચ લેતા ઝડપાયા બાદ કોર્ટમાં રજૂ કરી એસીબીએ એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ફેસિલિટિ મેનેજમેન્ટનું કામ કરતી કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગાર પીએફના પૈસા માલિક ઓનલાઇન જમા કરાવતા હોવા છતાં ભવિષ્યનિધિ (પીએફ)ની રિજિયોનલ ઓફિસમાં ફરજ બજાવતા બિનોદકુમાર હરિકાંત શર્મા (ઉ.વ.૫૧)એ ઇ મેઇલ મોકલી ડોક્યૂમેન્ટ જમા કરાવવા જણાવ્યું હતું.
સ્પોટ મેમાની નોટિસ મળતાં ફેસિલિટિ મેનેજમેન્ટના માલિક પીએફ કચેરીમાં જઇને પીએફ ઇન્સ્પેક્ટર બિનોદકુમાર શર્માને મળતા બિનોદકુમારે ડોક્યૂમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી છે જેથી દંડ અથવા કેસ થશે, જો તેનાથી તમારે બચવું હોય તો રૃા.૫૦ હજાર આપવા પડશે તેમ જણાવતાં રકઝકના અંતે રૃા.૪૦ હજાર આપવાનું નક્કી થયું હતું.
લાંચની આ રકમ બાદ એસીબી દ્વારા પીએફ કચેરીમાં જ લાંચનું છટકું ગોઠવીને બિનોદકુમારને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતાં. સૂત્રોએ જણાવ્યું હતું કે બિનોદકુમારે પંચની હાજરીમાં લાંચ આપવા આવેલ માલિકને જણાવેલ કે રૃા.૪૦ હજાર તો આપ્યા છે પરંતુ હજી રૃા.૨૦ હજાર આપવાના છે, થોડા સમય પછી લઇ આવશો. દરમિયાન આજે બિનોદકુમાર શર્માને કોર્ટમાં રજૂ કરી એસીબીએ એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. આવતીકાલે તેમને સાથે રાખીને તેમના અકોટામાં આશીર્વાદ સોસાયટીમાં આવેલા ઘરમાં સર્ચ કરવામાં આવશે.