રાજકોટના પરાબજારમાં CCTV તોડીને રૂ।. 4.40 લાખની ઘરફોડી
રાત્રે પોલીસ પણ સુઈ જતી હોવાની શંકા, ચૂસ્ત પેટ્રોલીંગનો અભાવ : મોઢુ છુપાવવા બુકાની પહેરીને ત્રાટક્યા, દુકાનના બીજા માળે લોખંડની ગ્રીલ તોડીને સેવીંગ બ્લેડ,ફેર એન્ડ લવલી સહિત મુદ્દામાલ ઉસેડી ગયા
રાજકોટ, : રાજકોટમાં મોડી રાત્રિથી વહેલી સવાર સુધી રેઢા પડ જેવી સ્થિતિનો લાભ લઈને ગત રાત્રિના અહીંના પરાબજારમાં રૈયાનાકા ટાવર પાસે આવેલ મહેતા એજન્સીમાં તસ્કરો ત્રાટકીને રૂ। .4.40 લાખની મત્તાની ચોરી કર્યાની ફરિયાદ આજે એ ડિવિઝન પોલીસમાં જાહેર થઈ છે. પૂરી તૈયારી સાથે આવેલા તસ્કરોએ પોતાની ઓળખ ન મળે તે માટે સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતા.
આ અંગે પોલીસમાં નીલેશભાઈ શશીકાંતભાઈ મહેતા જૈન (રહે. પ્રહલાદપ્લોટ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મૂજબ ગત રાત્રિના 22 વાગ્યાથી સવારે 8-15 દરમિયાન બંધ રહેલી દુકાનના બીજા માળે લોખંડની બારીની ગ્રીલ તોડીને તેમાંથી તસ્કરો પ્રવેશ્યા હતા. દુકાનમાંથી રૂ।. 2,28,900 ની કિંમતના અલગ અલગ કંપનીના પેકેટો, રૂ।.4,30,200 નો માલસામાન અને રૂ।. 10,000 રોકડા સહિત રૂ।.4.40 લાખ ચોરીને નાસી ગયા હતા.
તસ્કરોએ ચોરી કરતી વખતે બુકાની બાંધી રાખી હતી અને મોટી રકમનો માલસામાનનું પોટલુ વાળીને નાસી છૂટયા હતા. આ તસ્કરો હોય કે શહેરમાં લૂંટફાટ કરતી ટોળકી હોય તે શહેરના રસ્તાઓ પરથી જ પસાર થાય છે અને રસ્તાઓ ઉપર એક હજારથી વધુ સીસીટીવી મુકવામાં આવ્યા છે, ત્યારે પોલીસ મોડી રાત્રિથી સવાર સુધી ચૂસ્ત પેટ્રોલીંગ કરીે રસ્તે આવતા જતા શખ્સો પર વોચ રાખે, તપાસ કરે તો આવી ઘટના અટકી શકે તેમ છે પરંતુ, શહેરમાં ગુનાખોરી અટકાવવા એલર્ટ પોલીસની હાજરી રાત્રે ઓછી દેખાતી હોવાની ફરિયાદો છે.