કોર્પોરેટરોને રૃા.87 લાખના ખર્ચે લેપટોપ આપવાની દરખાસ્ત પર બ્રેક
લેપટોપ મુદ્દે શાસકોમાં પણ જુદા-જુદા અભિપ્રાય હતાઃ બે ટર્મથી કોર્પોરેટરોને લેપટોપ અપાતા હતા
સુરત,
સુરત મ્યુનિ.ની આર્થિક સ્થિતિ
નબળી હોવા છતાં પણ પાલિકાના તમામ 120 કોર્પોરેટરોને રૃા.87 લાખના ખર્ચે લેપટોપ આપવાની
દરખાસ્ત પર આજે સ્થાયી સમિતિની બેઠકમાં બ્રેક મારી દેવાઇ હતી. લેપટોપ આપવા અંગે શાસકોમાં
પણ અલગ અલગ અભિપ્રાય હતા.
સુરત મ્યુનિ.ની સ્થાયી સમિતિમાં ભાજપ- આપના તમામ 120 કોર્પોરેટરોને 87 લાખ રૃપિયાના ખર્ચે લેપટોપ આપવાની દરખાસ્ત રજુ કરવામા ંઆવી હતી. સ્થાયી સમિતિની બેઠક બાદ કાર્યકરી અધ્યક્ષે લેપટોપ આપવાની દરખાસ્ત વધુ વિચારણા માટે મુલત્વી રાખવામાં આવી છે તેમ જણાવ્યું હતું. જોકે, ભાજપ શાસકોમાં જ કોર્પોરેટરોને લેપટોપ આપવા કે નહીં તે માટે જુદા જુદા મત છે. છેલ્લી બે ટર્મથી કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવે છે તેવી જ રીતે આ ટર્મમાં પણ લેપટોપ આપવા માટેનો વિચારણા કરવામાં આવી હતી અને તે માટે ટેન્ડર પણ બહાર પાડવામા આવ્યા હતા.
જોકે, કોરોના કાળ પહેલાંથી જ સુરત મ્યુનિ.ની આર્થિક સ્થિતિ નબળી થઈ રહી છે અને ખર્ચ પર કાપ મુકવા સાથે કરકસર ભર્યો વહિવટ કરવા માટે સુચન થઈ રહ્યાં છે. આટલું જ નહીં પરંતુ છેલ્લા ઘણાં વખતથી પાલિકાના વિવિધ કામોમાં બિલ ચુકવણી માટે પણ વિલંબ થઈ રહ્યો છે અને અનેક પડકાર ઉભા થઈ રહ્યાં છે. આવી સ્થિતિમાં તમામ કોર્પોરેટરોને લેપટોપ આપવા માટેની દરખાસ્ત માટે ભાજપના નેતાઓ જુદા જુદો મત ધરાવે છે તેના કારણે દરખાસ્ત પર બ્રેક મારી દેવામાં આવી છે. ભાજપનો દરેક કામમાં વિરોધ કરતાં વિપક્ષે પણ લેપટોપ આપવાની દરખાસ્ત પર કોઈ વિરોધ કર્યો ન હતો પરંતુ હવે દરખાસ્ત પર બ્રેક મારી દેવામાં આવી છે.