Get The App

શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પર બ્રેક 14 શુગર મિલો અને ખેડૂતોને આર્થિક ફટકો

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવા પર બ્રેક 14 શુગર મિલો અને ખેડૂતોને આર્થિક ફટકો 1 - image


-  હાલ શુગર મિલોમાં પિલાણ શરૃ થયું છે ત્યારે જ કેન્દ્ર સરકારે ઇથેનોલ બનાવવાની મંજુરી તાત્કાલિક અસરથી બંધ કરી દેતો પરિપત્ર જારી કર્યો

        સુરત

કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા પરિપત્ર જારી કરીને શુગર મિલોમાં પિલાણ થતી શેરડીમાંથી ઇથેનોલ બનાવવાની મંજુરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો હુકમ કરતા સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની  ૧૪  શુગર મિલોને મોટો આર્થિક ફટકો પડવાની સાથે ત્રણ લાખથી વધુ ખેડૂતોને પણ અસર થવાથી સોંપો પડી ગયો છે.

સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હાલ તમામ શુગર મિલો શેરડીના પિલાણથી ધમધમી રહી છે. અને સરકાર આ શેરડીના રસમાંથી નિકળતા ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલમાં કરવા માંગે છે. આથી ખેડૂતોને આશા છે કે, ભવિષ્યમાં શેરડીના વધુ પોષણક્ષમ ભાવો મળશે. જોકે, આ આશા વચ્ચે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દેશની તમામ શુગર મિલોમાં શેરડીમાંથી બનતા ઇથેનોલ બનાવવાની મંજુરી પર બ્રેક મારતા શુગર ફેકટરીના સંચાલકોમાં હલચલ મચી ગઇ છે. આ અંગે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ તેમજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરાઇ છે કે, ફકત દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે ત્રણ લાખ જેટલા ખેડૂતો સહકારી મિલો સાથે સંકળાયેલા છે અને રોકડીયા પાક તરીકે શેરડીની ખેતી કરી આત્મનિર્ભર બની રહ્યા છે. શેરડીની ખેતી ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ત્યારે શેરડીના રસમાંથી બનતા ઇથેનોલને તાત્કાલિક અસરથી બંધ કરતા નુકસાન થવાની શકયતા છે. આમ દક્ષિણ ગુજરાતની ૧૪ શુગર મિલો અને ત્રણ લાખથી વધુ ખેડૂતો માટે આ પરિપત્ર દુઃખદ બન્યો છે.

ઇથેનોલ બંધ કરવાથી માર્કેટમાં નીચા ભાવની અસર તરત આવી ગઇ છે. જેની અસર ખેડૂતોને આપવામાં આવતા શેરડીના ભાવ પર પડી શકશે. જે ખેડૂતો માટે આર્થિક બોજા સમાન રહેશે. આથી ઇથેનોલ બનાવવાની મંજુરી આપવાની માંગ ઉઠી છે. 


Google NewsGoogle News