રોટી બની મોંઘીઃ ઘઉંના ભાવ પ્રતિ મણ રૂ. 700ને પાર થયા
ગત વર્ષની સાપેક્ષે ઘઉંનું ઉત્પાદન 11 ટકા વધ્યું અને ભાવ 21 ટકા વધ્યા! : ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન 4.41 લાખ ટન વધ્યું છતાં ભાવ વધારો! : વર્ષ પહેલા સીઝન વખતે ટુકડા ઘઉં રૂ. 501-595ના, ગત દિવાળીએ રૂ. 592-617એ પહોંચ્યા બાદ હવે 612થી 726એ પહોંચ્યા
રાજકોટ, : ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન ગત વર્ષ ઈ.સ. 2023-24ની સાપેક્ષે ઈ.સ.2024-25 માં 4.41 લાખ ટન જેવંં નોંધપાત્ર ઉત્પાદન વધ્યું છે અને માલની સપ્લાય વધે ત્યારે ભાવ ઘટવા જોઈએ તેના બદલે ઉલ્ટુ ઘઉં મોંઘા થયા છે. ગુજરાતીઓમાં ઘરે ઘરે ખવાતા ટુકડા ઘઉંના ભાવ આજે વધીને રૂ. 700ને પાર થઈને પ્રતિ મણ રૂ. 612-726 નોંધાયા હતા.એટલે કે ઘંઉની ગત વર્ષની સીઝન કરતા આ વર્ષની સીઝનમાં 20 ટકાથી વધુ ભાવ વધારો થયો છે. જેના પગલે રોટી પણ હવે મોંઘી થઈ છે.
ઘઉંનો દૈનિક આહારમાં ઉપયોગ જાણીતો છે, રોટલી,ભાખરી,પૂરીથી માંડીને ચૂરમાના લાડુ, લાપસી સહિત પરંપરાગત વાનગીઓમાં તેનો ઉપયોગ ઘરે ઘરે રોજ થાય છે. નવા ઘઉં બજારમાં આવવાનું શરૂ થઈ ગયું છે, લોકો ઘઉંની ખરીદી વાર્ષિક જરૂરિયાત મૂજબ કરતા હોય છે અને આ છૂટક ખરીદી સામાન્ય રીતે ધુળેટી પછી શરૂ થતી હોય છે ત્યારે હાલ સીઝનમાં જ ઉંચા ભાવ છે.
ભાવવધારો 2024માં શરૂ થયો છે, ગત દિવાળીએ, ઓક્ટોબર-2024માં ઘઉંના ભાવ વધીને પ્રતિ મણ રૂ. 582-617 એ પહોંચ્યા હતા જ્યારે હજુ એક માસ પહેલા તા. 13 જાન્યુઆરીએ વધીને રૂ. 607-678 થયા અને ગઈકાલે મહત્તમ ભાવ રૂ. 696 બાદ આજે રૂ. 700ની સપાટી પાર કરીને રૂ. 72એ પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે ઈ.સ. 2023-24ના વર્ષમાં ગુજરાતમાં 12.46 લાખ હેક્ટરમાં 39.03 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું જે સામે ગત સીઝનનું વર્ષ 2024-25માં 13.57 લાખ હેક્ટર જમીનમાં અંદાજે 43.44 લાખ ટન ઘઉંનું ઉત્પાદન છે. એટલેકે એક વર્ષમાં ઘઉંનું ઉત્પાદન 11 ટકા વધ્યું પરંતુ, ભાવ ઘટવાને બદલે ઉલ્ટુ 21 ટકા વધી ગયા છે.