Get The App

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના વેપારી છ જેટલા વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના વેપારી છ જેટલા વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા 1 - image


Jamnagar : જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી કેટલાક વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા છે. જેણે સાત લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ તેનું રાક્ષસી 21 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ છ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58, કૃષ્ણ કોલોનીમાં પુષ્પમ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 303 માં રહેતા અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા રાજેશભાઈ નરશીભાઈ કણજારીયા નામના વેપારી યુવાને જામનગરના છ જેટલા વ્યાજખોરો સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગેરકાયદે વ્યાજ વસુલી પઠાણી ઉઘરાણી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

વેપારી યુવાને ગત માર્ચ મહિનામાં પોતાની ધંધાની જરૂરિયાત માટે સૌપ્રથમ અમિત બાબુભાઈ ભાનુશાલી નામના વ્યક્તિ પાસેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેનું અત્યાર સુધીમાં પાંચ લાખ ચાલીસ હજાર જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ મુદ્દલ રકમની માંગણી કરી ધાક ધમકી અપાતી હતી. 

આ ઉપરાંત પ્રકાશભાઈ ભાનુશાલી નામના વ્યક્તિ પાસેથી 2,75,000 વ્યાજે લીધા પછી તેના બદલામાં છ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા, જયારે વસંતભાઈ ભાનુશાળી પાસેથી એક લાખ રૂપિયા મેળવીને તેની સામે ત્રણ લાખ 60 હજાર જેટલું વ્યાજ ચૂકવી આપ્યું હતું.

આ ઉપરાંત શૈલેષભાઈ ઉર્ફે ભીખાભાઈ નામના વ્યક્તિ પાસેથી 25,000 રૂપિયા વ્યાજે લીધા બાદ તેનું 32 હજાર રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું, જયારે રવિ મહાજન નામના વ્યક્તિ પાસેથી 70,000 રૂપિયા વ્યાજે લીધા બાદ તેનું 4,50,000 જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી આપ્યું હતું, જયારે સુમિત ભાઈ ચાંદ્રા પાસેથી 30,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે પણ 1,20,000 જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ વ્યક્તિઓ અવારનવાર મુદ્દલ રકમની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જયાં પોલીસે તમામ છ આરોપીઓ સામે આઇપીસી કલમ 506-2 તેમજ મનીલેન્ડર્સ એક્ટ કલમ 5, 39, 40 અને 42 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તમામ આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News