લેઉવા પટેલ સમાજના બ્રેઇનડેડ કારખાનેદારના અંગદાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું
- સિંગણપોર રહેતા વિપુલભાઇ ભીકડીયાના લિવર અને ચક્ષુઓનું દાન :હૃદય-ફેફસા ખરાબ થઇ ગયા હોવાથી દાન સ્વીકારી શકાયું નહી
સુરત,:
સુરતના સિંગણપોર ખાતે રહેતા લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ યુવાન કારખાનેદારના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
સિંગણપોર ગામ પાસે કોઝવે રોડ જલદર્શન એપાર્ટમેન્ટ રહેતા ૩૮ વર્ષીય વિપુલભાઈ લાભુભાઈ ભીકડીયા કતારગામમાં એમ્બ્રોઇડરીનું યુનીટ ધરાવતા હતા. તા. ૨૨મીએ તેમને માથામાં દુઃખાવો અને ઉલ્ટી થતા ખાનગી હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ રજા અપાઇ હતી. પણ થોડા કલાકોમાં તેમને ખેંચ આવતા ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તા.૨૫મી અન્ય હોસ્પિટલમાં ખસેડાતા અહી સી.ટી સ્કેનમાં મગજની નસમાં ફુગ્ગો થવાથી નસ ફાટી ગયાનું નિદાન થયું હતું.
ફરીવાર સી.ટી સ્કેનમાં બ્રેઇન હેમરેજનું નિદાન થયા બાદ ડોકટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઇફની ટીમે તેમના પરિવારને મળી અંગદાનનું મહત્વ સમજાવતા તેઓ વિપુલભાઇના અંગોનું દાન કરવા સંમત થયા હતા. મુંબઈ તથા ચેન્નાઈની ખાનગી હોસ્પિટલના ડોક્ટરોની ટીમે હૃદય અને ફેફસાનું દાન સ્વીકારવા સુરત આવ્યા હતા પરંતુ તે ખરાબ થઇ ગયા હોવાથી દાન લઇ શકાયું નહોતું. તેમની ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકએ સ્વીકાર્યું હતું. દાનમાં મળેલુ લિવરનું એક જરૃરિયાતમંદ દર્દીમાં અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. વિપુલભાઈના પરિવારમાં પત્ની આશાબેન, પુત્રી નિા (ઉ.૧૬) શારદા વિધ્યાલયમાં ધો. ૧૧માં અભ્યાસ કરે છે, પુત્ર ધામક (ઉ.૧૫) શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં ધો. ૧૦માં અભ્યાસ કરે છે.