અંબાજી મંદિરની ગાદી માટે મહા વિવાદ: બ્રહ્મલીન મહંતના ટ્રસ્ટના કાગળો ચેરિટી કમિશનરમાંથી મંગાવી તપાસ
Junagadh Ambaji Temple : અંબાજી મંદિરની ગાદી માટે મહા વિવાદ ચાલી રહ્યો છે. ભવનાથના મહંત હરિગિરી સહિતનાઓએ અંબાજીના મહંત તરીકે પ્રેમગિરીની નિમણૂક કરી પરંતુ તે અંગે મોટો વિવાદ સર્જાતાં કલેક્ટરે ચેરિટી કમિશનરમાંથી અંબાજી, ભીડભંજન મંદિર ટ્રસ્ટના કાગળો મંગાવી તપાસ શરૂ કરી છે. હાલ ભીડભંજન ખાતે હરિગિરીએ તેમના બે સાધુઓને બેસાડી દીધા છે, જ્યારે અંબાજી મંદિરે કબ્જો લેવાની ગતિવિધિઓ પડતી મુકવી પડી છે. કોઈ અનિચ્છનીય બનાવ રોકવા ભીડભંજન ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
તનસુખગિરી બાપુ બ્રહ્મલીન થયા અને હજુ તેને સમાધિ પણ આપવામાં ન આવી હતી, તેમનો પાર્થિવ દેહ ભીડભંજન ખાતે હતો ત્યારે ગાદી માટે વિવાદ શરૂ કરી દેવામાં આવતા સભ્ય સમાજમાં આકરી ટીકા શરૂ થઈ ગઈ છે. બે દિવસના ઘટનાક્રમ બાદ સરકારે પણ આ મુદ્દે ગંભીરતા દાખવી તાબડતોબ રિપોર્ટ મંગાવ્યો હતો. અંબાજી અને ભીડભંજનના મહંત તનસુખગિરી બાપુ બ્રહ્મલીન થતા તેના ઉત્તરાધિકારી કોણ? તે અંગે થયેલા વિવાદને સનાતન ધર્મને નીચાજોણું કર્યું છે.
તનસુખગિરી બાપુના ટ્રસ્ટ અંગેના તમામ કાગળો ચેરિટી કમિશનર પાસેથી કલેક્ટરે મંગાવી તેના બંધારણમાં શું જોગવાઈ છે તે અંગેની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બુધવારે હરીગિરીના જુથ દ્વારા ઉગ્ર વિરોધ વચ્ચે ધરાર પ્રેમગિરીની તનસુખગિરીના ઉતરાધીકારી તરીકે ચાદરવિધિ કરી નાખી હતી. બાદમાં બુધવારથી જ ત્યાં બે સાધુઓને બેસાડી દેતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.
જવાહર રોડ પર આવેલા ભીડભંજનને ચાદરવિધિ કર્યા બાદ ગુરૂવારે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરે કબજો લઈ ત્યાં પણ સાધુઓની નિમણૂક કરવાની ગતિવિધિઓ થવાની શક્યતાઓ હતી પરંતુ કોઈપણ કારણોસર આજે તે પ્રક્રિયા બંધ રાખવાની ફરજ પડી છે. ભીડભંજન ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. સમગ્ર ડખ્ખા મુદ્દે સરકાર દ્વારા હાલ પુરતો મંદિરનો સમગ્ર વહિવટ હસ્તગત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સરકાર દ્વારા થોડા સમય માટે મંદિરનું સંચાલન વહિવટી તંત્રને સોંપી ત્યારબાદ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ કરી જો નિયમ મુજબ શક્ય હશે તો અન્યને મહંત તરીકે નિમણૂક કરવામાં આવે તેવી સંભાવના છે.
આભૂષણો અને જરઝવેરાતવાળા રૂમને તાત્કાલિક સીલ મારવા રજૂઆત
ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યામાં એક રૂમમાં બ્રહ્મલીન મહંતની બચત કરેલી મોટી રકમ, સોના-ચાંદીના આભૂષણો, દાગીના સહિતની અનેક કિંમતી જરઝવેરાતો છે. આ તમામ કિંમતી ચીજવસ્તુઓ પર અનેક લોકોનો ડોળો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કલેક્ટર દ્વારા તાત્કાલિક આ રૂમને સીલ મારી દેવામાં આવે ત્યારબાદ તમામ વિવાદનો અંત આવ્યા બાદ જ તેમનું સીલ ખોલવું જોઈએ તેવી પણ પ્રબુદ્ધ નાગરિકોમાંથી માંગ ઉઠી છે.