રાજકોટ યુવતી આપઘાત કેસ: ઘરથી કંટાળી તેણે દવા પીધી હોવાનો પ્રેમી ભૂવાનો દાવો, વીડિયો-સ્ક્રિનશૉટ કર્યા જાહેર
Rajkot News : રાજકોટના મવડીમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. દીકરીના મોત બાદ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, 'કેતન સાગઠીયા નામના ભૂવાના ત્રાસથી મારી દીકરીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.' સમગ્ર વિવાદ વચ્ચે મૃતક યુવતીના પ્રેમી ભૂવાએ વૉટ્સએપના સ્ક્રિનશૉટ અને વીડિયો શેર કર્યા હતા. જેમાં યુવતીએ ઘરથી કંટાળીની દવા પીધી હોવાનો પ્રેમી ભૂવાનો દાવો કર્યો હોવાનું જણાવ્યું હતું.
યુવતીના આપઘાત મામલે પ્રેમી ભૂવાએ સ્ક્રિનશૉટ શેર કર્યો
રાજકોટના મવડીમાં કોમલ નામની યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ મામલે પરિવારે કેતન સાગઠીયા નામના પ્રેમી ભૂવાએ જ કોમલને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. મૃતક યુવતીના પિતાએ કરેલા આક્ષેપને પગલે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે કેતન સાગઠીયાએ વૉટ્સએપના સ્ક્રિનશૉટ જાહેર કર્યો છે. કેતનનું કહેવું છે કે, 'આપઘાત પહેલા કોમલે તેને મેસેજ કર્યો હતો. જેમાં કોમલના પિતા દારૂ પીને તેની મમ્મીને મારતા હોવાનું અને ઘરથી કંટાળી ગઈ હોવાનું કહીને દવા પીધી હોવાનું મેસેજમાં જણાવ્યું હતું.'
પ્રેમી ભૂવાએ વીડિયો શેર કર્યો
જ્યારે ભૂવા સાગઠીયાએ એક વીડિયો પર શેર કર્યો છે. જેમાં તે જણાવે છે કે, 'કોમલનો પરિવાર વર્ષ 2023માં મારા સંપર્કમાં આવ્યો હતો. કોમલના ફોઈના છોકરાએ અમારી મુલાકાત કરાવી હતી. ત્યારબાદ અમારા ઘરે માતાજીના માંડવામાં કોલમનો પરિવાર આવ્યો હતો. કોમલ ઘરે બધાને હોસ્પિટલમાં નોકરીએ જવાનું કહીને મારી પાસે આવતી હતી અને ઘરે પૈસા આપવા લોન લેતી હતી. જેના હપ્તા પણ હું ચૂકવું છું. હું નિર્દોષ છું, કોમલે તેના ઘરનાના ત્રાસથી દવા પીધી હતી.'
આ પણ વાંચો: આણંદની મોડલ-ઈન્ફ્લુએન્સરની કેનાલમાંથી મળી લાશ, ભાજપ નેતાની પત્નીના મોતનું રહસ્ય અકબંધ
જાણો શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં મવડી ગામે રહેતી કોમલે 13મી માર્ચે ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. સમગ્ર ઘટના મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી. જ્યારે મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો કે, 'કેતન સાગઠીયા નામના ભૂવાએ કોમલને પ્રેમજાળમાં ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. અગાઉ 8 માસ પૂર્વે કેતને કોમલને ઝેરી દવા પીવડાવી હતી. કેતન સામે તેની પત્નીએ પણ ફરીયાદ નોંધાવી હતી. કોમલે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દેતા કેતન મૃતદેહને હોસ્પિટલના બીછાને છોડી નાસી છૂટયો હતો. તેણે અનેક દીકરીઓની જિંદગી બગાડી છે.'