રાજકોટના અગ્નિકાંડમાં પકડાયેલા મનપાના બંને અધિકારીઓને રિમાન્ડ
ખોટું રેકર્ડ ઊભું કરવામાં કુલ 4 અધિકારીઓની સંડોવણી ખૂલી : ગેમઝોનમાં આગ લાગી તે રાત્રે જ આરોપીઓએ પોતાના બચાવ માટે વેસ્ટ ઝોન કચેરીમાં જઇ ખેલ શરૂ કરી દીધો હતો
રાજકોટ, : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં પોતાને બચાવવા માટે ટીપી શાખાના અધિકારીઓએ ખોટુ રેકર્ડ ઉભુ કર્યાનું કારસ્તાન બહાર આવ્યા બાદ સિટે ગઇકાલે મનપાની ટીપી શાખાના તત્કાલીન એટીપી રાજેશ નરશીભાઈ મકવાણા (ઉ.વ. 40, રહે. આફ્રિકા કોલોની શેરી નં. 5, આશિયાના એપાર્ટમેન્ટ ફર્સ્ટ ફલોર, 150 ફૂટ રિંગ રોડ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ બાલુભાઈ ચૌધરી (ઉ.વ. 36, રહે. જીવરાજપાર્ક પ્લોટ નં. 138, અંબિકા ટાઉનશીપ)ની ધરપકડ કર્યા બાદ આજે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.
સિટની તપાસમાં એવું બહાર આવ્યું છે કે અગ્નિકાંડમાં મોટાપાયે જાનહાની થયાના સમાચારો જાણવા મળતાં જ મનપાની ટીપી શાખાના અધિકારીઓ ગભરાઇ ગયા હતા. એટલું જ નહીં તેમને પોતે આ કેસમાં ફસાઇ જશે તેવી ગંધ આવી જતાં પોતાને બચાવવા માટે અગ્નિકાંડની રાત્રે જ ખેલ શરૂ કરી દીધો હતો.
જેના ભાગરૂપે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપી ગૌતમ જોશી, બીજા એટીપી રાજેશ મકવાણા અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીએ વેસ્ટ ઝોનની કચેરીમાં ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવા માટે જે પ્લાન રજૂ કરાયો હતો, પરંતુ તે પ્લાન ઇન્વર્ડ થયો ન હોવાથી જૂની તારીખમાં તે પ્લાનને ઇન્વર્ડ કરી તત્કાળ તેની સામે ક્વેરી લેટર પણ તૈયાર કરી લીધો હતો.આ માટે ઇમ્પેક્ટ ઇન્વર્ડ રજિસ્ટરમાં ચેડા કરી જૂના જાવક પત્રક રજિસ્ટરનો નાશ કરી નવું રજિસ્ટર બનાવી તેમાં ક્વેરી લેટરની નોંધ કરી હતી.
સિટની તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયા બાદ સાગઠીયા અને જોશીની અગાઉ જ ધરપકડ થઇ ગઇ હોવાથી આ કારસ્તાનમાં સંડોવાયેલા વધુ બે આરોપીઓ મકવાણા અને ચૌધરીની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. સિટના સૂત્રોએ જણાવ્યું કે આગ લાગી તે દિવસે એટલે કે તા. 25મીની રાતથી શરૂ કરી તા. 26મીની સવાર સુધી વેસ્ટ ઝોનની કચેરીમાં દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા હતાં. આ કારસ્તાનમાં ટીપી શાખાના ચાર સિવાયના વધુ કોઇ અધિકારીઓની સંડોવણી છે કે કેમ તેની હાલ તપાસ જારી રાખવામાં આવી છે. ગઇકાલે ધરપકડ કરાયેલા ચૌધરી અને મકવાણાને આ અગાઉ પણ સિટે પૂછપરછ માટે બોલાવ્યા હતા. જો કે સિટના સૂત્રોનું કહેવું છે કે તે વખતે બંને આરોપીઓ વિરૂધ્ધ કોઇ પૂરાવા ન હોવાથી ધરપકડ કરવામાં આવી ન હતી. પૂરાવા મળતાં જ ધરપકડ કરવામાં આવી છે.