સિક્યુરીટી ગાર્ડની હત્યામાં બંને ભાઈ નેપાળ ભાગે તે પહેલા બિહારથી પકડાયા
ONGC કોલોનીના ગાર્ડની ગોળી અને ચપ્પુ મારી હત્યા થઈ હતી
વર્ષ અગાઉ કરેલા હુમલાને મનમાં રાખી સિવાનના વિક્રાંતકુમાર રાજપૂતે તેના નાના ભાઈ અને અન્ય એક સાથે મળી હત્યા કરી હતી
- ONGC કોલોનીના ગાર્ડની ગોળી અને ચપ્પુ મારી હત્યા થઈ હતી
- વર્ષ અગાઉ કરેલા હુમલાને મનમાં રાખી સિવાનના વિક્રાંતકુમાર રાજપૂતે તેના નાના ભાઈ અને અન્ય એક સાથે મળી હત્યા કરી હતી
સુરત, : સુરતના ભાટપોર જીઆઈડીસીમાં નવ દિવસ અગાઉ ઓએનજીસી કોલોનીના સિક્યુરીટી ગાર્ડની પેટમાં ગોળી મારી તેમજ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવાના બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બિહારના સિવાન ખાતેથી બે ભાઈઓ નેપાળ ભાગી છૂટે તે પહેલા ઝડપી લીધા છે.ઝડપાયેલા ભાઈઓ પૈકી મોટો ભાઈ અગાઉ સુરતમાં મૃતક સિક્યુરીટી ગાર્ડ સાથે નોકરી કરતો હતો અને વર્ષ અગાઉ મૃતક ગાર્ડે નાણાંકીય લેતીદેતીમાં થયેલા ઝઘડામાં હુમલો કર્યાની અદાવતમાં તેની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના હજીરા રોડની ઓએનજીસી કોલોનીનો સિક્યુરીટી ગાર્ડ રોહિતગીરી મકસુદનગીરી ગૌસ્વામી ( ઉ.વ. 26 રહે.નંદાલય રેસીડન્સી, ભાટપોર, સુરત ) ને ગત બીજીની સવારે સાડા છ વાગ્યાના અરસામાં ભાટપોર જીઆઇડીસીમાં નાંણાવટી મહિન્દ્રા વર્કશોપ પાછળના રોડ ઉપર બાઇક સવાર ત્રણ અજાણ્યાએ આંતરી ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઇ નવી સિવિલ હોસ્પિટલ ખાતે કરાવેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મોંઢા, ગળા અને પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા હતા ઉપરાંત પેટમાંથી એક બુલેટ એટલે કે ગોળી પણ મળી આવી હતી. રેકી કર્યા બાદ અડાજણના ગુજરાત ગેસ સર્કલ પાસેથી બાઇક ચોરી ફરાર થયેલા હત્યારાઓને શોધી કાઢવા માટે ઇચ્છાપોર પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી.
દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનીકલ સર્વેલન્સના આધારે પહેલા ગુજરાત અને બાદમાં મહારાષ્ટ્ર અને ત્યાર બાદ ઉત્તરપ્રદેશ અને છેવટે બિહાર સુધી સતત આઠ દિવસ સુધી હત્યારાઓનો પીછો કરી છેવટે બિહારના સિવાન જીલ્લાના મહારાજગંજના નાનકડા કૌડિયા ગામમાંથી બે ભાઈઓ વિક્રાંતકુમાર રામબાબુસિંગ રાજપૂત અને તેના નાના ભાઈ સિદ્ધાર્થને તેઓ નેપાળ ભાગી છૂટે તે પહેલા ઝડપી લીધા હતા.તેમના ચાર દિવસના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી તેમને સુરત લાવી ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક સિક્યુરીટી ગાર્ડ રોહિતગીરી મકસુદનગીરી ગૌસ્વામી અને વિક્રાંતકુમાર બંને સાથે નોકરી કરતા હતા.વર્ષ અગાઉ બંને વચ્ચે નાણાકીય લેતીદેતીમાં ઝઘડો થયો હતો અને તેમાં રોહિતગીરીએ વિક્રાંતકુમારના માથામાં મારતા તેને ગંભીર ઈજા થઈ હતી.
તે બાબત વિક્રાંતકુમારને ખટકતી હતી અને તે નોકરી છોડીને વતન ચાલ્યો ગયો હતો છતાં તે ઝઘડાને મનમાં રાખી રોહિતગીરીની હત્યાની યોજના બનાવી હતી.તે સુરત આવ્યો હતો અને રોહિતગીરીના નોકરીએ આવવા જવાના રૂટની રેકી કરી વતન પરત ગયો હતો.બાદમાં તે મુંબઈ ગયો હતો અને થોડા દિવસ બાદ નાના ભાઈ અને અન્ય એકને સુરત લાવી પહેલા બાઈકની ચોરી કરી હતી.તેના ઉપર ભાટપોર જીઆઈડીસીમાં જઈ નોકરીએથી પરત ફરતા રોહિતગીરીને રસ્તામાં આંતરી પહેલા તેના પેટમાં ગોળી મારી હતી.તેઓ બીજી ગોળી મારવા પિસ્તોલ લોડ કરતા હતા.પણ પિસ્તોલ લોડ નહીં થતા ચપ્પુ મારી હત્યા કરી તેઓ ફરાર થઈ ગયા હતા.ક્રાઈમ બ્રાન્ચે બંને ભાઈનો કબજો ઇચ્છાપોર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.