VIDEO : રૂપાલાના નિવેદનને કારણે ચાલુ સભામાં ભાજપના મહામંત્રીએ પક્ષમાંથી આપી દીધુ રાજીનામું

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
VIDEO : રૂપાલાના નિવેદનને કારણે ચાલુ સભામાં ભાજપના મહામંત્રીએ પક્ષમાંથી આપી દીધુ રાજીનામું 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ક્ષત્રિયોનો રૂપાલા સામે વિરોધ યથાવત છે. આ વચ્ચે ગુરુવારે ભાજપના આગેવાને ભાજપની જ સભામાં ભાષણ આપતા આપતા રાજીનામું આપી દીધુ હતું. 

એક તરફ રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય વિશે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે અને ગામે-ગામ વિરોધ થઈ રહ્યો છે અને સંમેલન યોજી રહ્યા છે તો બીજી તરફ ભાજપ પણ 'મોદી પરિવાર સભા' કરીને પ્રચાર કરી રહી છે. ત્યારે બોટાદના પાળિયાદ ગામે ગુરુવારે ભાજપની ભાજપની 'મોદી પરિવાર સભા'માં બોટાદ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે ભાષણ આપતાં આપતાં જ રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું પરશોત્તમ રૂપાલા કરેલી ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈને આપ્યું હોવાનું કહ્યું હતું.

આજે મારા સમાજ સાથે રહેવાની ફરજ પડી છે : વિજય ખાચર

વિજય ખાચરે જાહેરમાં કહ્યું કે, 'ગુજરાત પ્રદેશમાં જે માહોલ ચાલી રહ્યો છે. જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે. જે અમારા ક્ષત્રિય સમાજનું રૂપાલા દ્વારા અપમાન કરાયુ છે. તેનાથી ક્ષત્રિય સમાજ નારાજ છે. હું 20 વર્ષથી ભાજપનો કાર્યકર છું. આજે મારા સમાજ સાથે રહેવાની ફરજ પડી છે. તેથી હું બોટાદ ભાજપ મહામંત્રી પદેથી રાજીનામું આપું છું. જે પ્રશ્ન ચાલી રહ્યો છે તેનું સુખદ સમાધાન આવે. ભાજપના મોવડી મંડળને પ્રાર્થના કરું છું કે તેના માટે પ્રયત્નો કરે.'

મહત્વનું છે કે, રાજ્યમાં પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદન બાદથી હડકંપ મચ્યો છે. ક્ષત્રિયો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી રહ્યા છે. ક્ષત્રિય-રાજપૂત સમાજ દ્વારા સંમેલનો, રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે. તો ભાજપની સભાઓમાં જઈને પણ વિરોધ દર્શાવાય રહ્યો છે. તો કેટલાક ગામોમાં ભાજપ નેતાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.


Google NewsGoogle News