બોરસદની સરસ્વતી શાળા ફરી વિવાદમાં, ફી ના ભરનારી વિદ્યાર્થિનીને ક્લાસમાં ઊભી રખાઈ, વાલીને ધમકી પણ અપાઈ
Borsad's Saraswati School Controversy : આણંદ જિલ્લાના બોરસદની સરસ્વતી શાળા ફરી વિવાદમાં આવી છે. જ્યાં ફી ના ભરનારી શાળાની વિદ્યાર્થિનીએ ક્લાસમાં ઊભી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે વિદ્યાર્થિનીના વાલીએ જણાવ્યું હતું કે, સત્રની અડધી ફી ભરી હતી, જો કે, ફી ન ભરાય તો ટ્રાન્સપોર્ટેશન બંધ કરવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવમાં વાલી અને શાળાના કર્માચારીની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે.
બોરસદની સરસ્વતી શાળા ફરી વિવાદમાં
મળતી માહિતી મુજબ, બોરસદની સરસ્વતી શાળામાં ભણતી વિદ્યાર્થિનીની અડધી શૈક્ષણિક ફી બાકી હોવાથી ક્લાસમાં ઊભી રાખવામાં આવી હતી અને શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થિનીને શાળાએ ન મોકલવા વાલીને જણાવ્યું હતું. જ્યારે વિદ્યાર્થિનીના વાલીએ ફેબ્રુઆરીના અંત સુધીમાં ફી ભરવા અને વિદ્યાર્થિનીને શાળામાં બેસવા દેવાની આજીજી કરી હતી, પરંતુ સંચાલકો માન્યા ન હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે શાળાના સંચાલકો દ્વારા કોઈ પ્રકારે જાણકારી આપવામાં આવી નથી. બોરસદમાં આવેલા આ શાળામાં અગાઉ પણ વિદ્યાર્થીઓને બહાર બેસાડવાની ઘટના સામે આવી હતી. જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.