Get The App

બોરસદની ખાનગી સ્કૂલે ફી ન ભરવા મામલે વિદ્યાર્થિનીને બહાર બેસાડી

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
બોરસદની ખાનગી સ્કૂલે ફી ન ભરવા મામલે વિદ્યાર્થિનીને બહાર બેસાડી 1 - image


- સુરતની ઘટના બાદ સરકારનો આદેશ છતા

- વાલીઓ દ્વારા સરસ્વતી સ્કૂલ સામે ફરિયાદ  વાલી- શિક્ષિકા વચ્ચેનો ઓડિયો વાઈરલ

આણંદ : બોરસદમાં સરસ્વતી સ્કૂલમાં ફી નહીં ભરવા મુદ્દે વિદ્યાર્થિનીને ક્લાસરૂમની બહાર બેસાડવામાં આવતી હોવાના ઈકરાર સાથે શિક્ષિકા અને વાલીનો ઓડિયો વાઈરલ થયો છે. છ મહિના અગાઉ પર આ જ સ્કૂલમાં ફી મુદ્દે વિવાદ થતા શિક્ષણ વિભાગે નોટિસ આપી હતી. ત્યારે સરકારનો આદેશ છતાં સ્કૂલ ઉલ્લંઘન કરતી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ સ્કૂલ સામે ફરિયાદ કરી છે. 

સુરતમાં ફી નહીં ભરવા મુદ્દે વિદ્યાર્થિનીને ક્લાસરૂમની બહાર બેસાડવામાં આવતા મનમાં લાગી આવતા તેણીએ આત્મહત્યા કરવાની ઘટ બની હતી. જે બાદ ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીઓને ક્લાસ બહાર બેસાડી શકાશે નહીં તેવો સરકારે આદેશ કર્યો હતો. ત્યારે બોરસદનાં વધવાલા પાસે આવેલી સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના વાલીએ શાળાના શૈક્ષણિક સત્રની અડધી ફી ભરપાઈ કરવાની બાકી હતી. 

જે અંગે સ્કૂલની શિક્ષિકાએ ફોન કરતા વાલીએ ફેબુ્રઆરીના અંત સુધીમાં બાકી ફી ભરપાઈ કરવાનું કહ્યું હતું. ત્યારે જો ફી ભરપાઈ કરવામાં ન આવે તો વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર બેસાડવામાં આવતા હોવાની વાતનો એકરાર શિક્ષિકાએ કર્યો હતો. જ્યારે શાળા સંચાલકો દ્વારા પણ શૈક્ષણિક સત્રની અડધી ફી બીકી હોવાથી વિદ્યાર્થિનીને શાળામાં નહીં મોકલવા જણાવ્યું હતું. આ અંગે વાલી અને શિક્ષિકા વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. છ મહિના અગાઉ પણ ફી નહીં ભરનાર બાળકોને સ્કૂલમાં ક્લાસરૂમની બહાર બેસાડાતા હોવાનો વીડિયો વાયર થયો હતો. બાદમાં ભારે વિવાદ બાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા છે. વાલી અને સ્કૂલના સંચાલકની અન્ય વાયરલ ઓડિયોમાં તે વાલીને કહે છે કે, સરકારનાં નિયમો મુજબ મારી સ્કૂલ ચાલે નહીં, સરકાર મને પૈસા નથી આપતી. 

તેમ સ્પષ્ટ કરી રહ્યા છે. છ મહિના પૂર્વેની ઘટનામાં શિક્ષણ વિભાગે નોટિસ આપી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા સરસ્વતી શાળાના સંચાલકો રાજકીય પીઠબળના લીધે બેફામ બન્યા હોવાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. આ ઘટના અંગે આણંદના ડીપીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડયો ન હતો.


Google NewsGoogle News