Get The App

બોરસદ નગરપાલિકાએ 11 મહિનાનું રૂ. 3.5 કરોડ વીજ બિલ ચૂકવ્યું નથી

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
બોરસદ નગરપાલિકાએ 11 મહિનાનું રૂ. 3.5 કરોડ વીજ બિલ ચૂકવ્યું નથી 1 - image


- અગાઉ એમજીવીસીએલે વીજ જોડાણ કાપી નાખ્યા હતા

- ડિસેમ્બર-2023માં પાલિકાએ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાંથી 5.65 કરોડની લોન મેળવી વીજ બિલ ચૂકવ્યું હતું

આણંદ : બે વર્ષથી સુપરસીડ થયેલી બોરસદ નગરપાલિકા દ્વારા જાન્યુઆરી ૨૦૨૪થી નવેમ્બર ૨૦૨૪ સુધીમાં વીજ બિલ પેટે રૂ.૩.૫ કરોડ વીજ તંત્રમાં ભરવામાં આવ્યા નથી. વહીવટદારના શાસન પહેલા ભાજપ શાસિત પાલિકામાં પણ વીજ બિલ ભરવામાં ન આવ્યું હોવાથી ડિસેમ્બર ૨૦૨૩માં પાલિકાએ સરકાર પાસેથી રૂ.૫.૬૫ કરોડની લોન લેવાની ફરજ પડી હતી. 

બોરસદ પાલિકાને બે વર્ષથી સુપર સીડ કરતા વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. અગાઉ પાલિકામાં ભાજપની સત્તા હતી તે સમયથી પાલિકાનું વીજ બિલ બાકી પડતું હતું. પાલિકાના ડ્રેનેજ વિભાગ, વોટર વર્ક્સ, વિવિધ કચેરીઓ, દિવાબત્તી માટે એમજીવીસીએલમાંથી વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. દર મહિને પાલિકા પાસે આર્થિક રકમ ન હોવાથી બિલ ભરવામાં પાલિકા નિષ્ફળ જાય છે. પરિણામે ભૂતકાળમાં વીજ તંત્ર દ્વારા પાલિકાના ડ્રેનેજ વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઈટના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા. તે સમયે સ્થાનિક ધારાસભ્યની દરમિયાનગીરીના પગલે પુનઃ વીજ જોડાણ અપાયું હતું. 

પાલિકાના દિવાબત્તી વિભાગના કર્મચારી રીતેષ ઠાકરે જણાવ્યું હતું કે, ગત વર્ષે પાલિકાએ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાં વીજ પ્રોત્સાહન બિલ યોજના હેઠળ લોનની માંગ કરી હતી. પરિણામે ડિસેમ્બર-૨૦૨૩માં પાલિકાના બાકી પડતા વીજ બિલની રકમ રૂ.૫.૬૫ કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. આ લોનની રકમ પાલિકાના બાકી પડતા બિલ પેટે જમા લેવામાં આવી હતી. જોકે, તા.૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૦ નવેમ્બર સુધીમાં પાલિકાના ચોપડે રૂ.૩.૪૬ કરોડનું વીજ બિલ હજૂ પણ બાકી પડી રહ્યું છે.  



Google NewsGoogle News