Get The App

મધ્ય ગુજરાતમાં વરસાદી મુસીબત: બોરસદમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, 200થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
મધ્ય ગુજરાતમાં વરસાદી મુસીબત: બોરસદમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, 200થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા 1 - image


Heavy Rain Borsad : આણંદ જિલ્લાના બોરસદમાં બુધવારે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 14 ઇંચ વરસાદ તૂટી પડતા બોરસદ શહેર પાણીમાં ડૂબ્યું હતું. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ ગયા હતા. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાર ઇંચ અને 10 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા શહેરનું જનજીવન ખોરવાયું હતું.

વિદ્યાર્થીઓ સ્કૂલે જઇ શક્યા નહોતા, નોકરિયાત વર્ગ નોકરીએ જઇ શક્યો નહતો તેમજ વેપાર-ધંધાવાળાઓએ પણ દુકાનો બંધ રાખી ઘરમાં જ પુરાઇ રહેવાની નોબત આવી હતી.બીજી તરફ આણંદ જિલ્લામાં ખંભાત, તારાપુર , આંકલાવમાં ચારેક ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ત્યાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પેટલામાં બે ઇંચ તેમજ સોજિત્રામાં પોણા એક ઇંચ, આણંદમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

બોરસદના વાન તળાવ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ડૂબતા એસડીઆરએફની 15 સભ્યોની ટીમોએ બોટો તરતી મુકી 200 જેટલા લોકોને રેસ્ક્યું કરીને સલામત સ્થળે ખસેડયા હતા. અસરગ્રસ્તોને સરસ્વતી શિશુ મંદિરમાં આશ્રય અપાયો હતો. જ્યાં તેઓ માટે ભોજન-પાણીની વ્યવસ્થા કરાઇ હતી. વાસદ ચોકડી, ખાસીવાડી, અક્ષર નગર સોસાયટી, જનતા બજાર, જૈન દેરાસર, ભોભા તળાવ, વાન તળાવ સહિતના વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઇ ગયા હતા. બોરસદ-અલારસા-કોસીન્દ્રા-આંકલાવ, અલારસા-દાવોલ રોડ બંધ કરી દેવાની ફરજ પડી હતી. 

આ પણ વાંચો : ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર મેઘ મહેર, છેલ્લા 24 કલાકમાં 236 તાલુકા તરબોળ, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો

સ્થિતિની ગંભીરતાને જોઇને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને સ્થિતિની સમીક્ષા કરી જરૂરી પગલા લેવા, રાહત-બચાવની કામગીરી ઝડપી બનાવવા તેમજ અધિકારીઓને હેડક્વાટર ન છોડવા આદેશ આપ્યો હતો. બોરસદમાં આભ ફાટવાની સ્થિતિમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. જોકે નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પારાવાર નુકસાની થવા પામી હતી. 

બોરસદ-અલારસા-કોસીન્દ્રા-આંકલાવ, અલારસા-દાવોલ રોડ બંધ કરાયો

બોરસદ-અલારસા-કોસીન્દ્રા-આંકલાવ રોડ તેમજ અલારસા-દાવોલ રોડ પર ભારે વરસાદને લીધે પાણી ભરાઇ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તકેદારીના ભાગરૂપે વહિવટીતંત્ર દ્વારા આ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. રાહદારીઓએ આ રોડ પરથી અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.આણંદ જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. આજે તા.25 જુલાઈના રોજ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

ઇમરજન્સીની સ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ મુજબ આણંદ જિલ્લામાં બુધવારે હળવા વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે આશરે 40 કિમી પ્રતિ કલાકનાં પવનની ઝડપ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ હતી. વરસાદની પરિસ્થિતિ દરમિયાન આણંદ વહીવટીતંત્ર સૌ નાગરિકોને સાવચેતી રાખવા તથા કોઈપણ પ્રકારનો અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્દભવે તો જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 02692-24૩222 પર સંપર્ક કરવા વિનંતી છે.

આ પણ વાંચો :  વરસાદની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 13 ઈંચ ખાબક્યો, 300 રોડ બંધ, જનજીવન અસ્ત-વ્યસ્ત

આગામી 24 કલાકમાં ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ તથા મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ભારતીય હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. બોરસદ શહેરી વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તાકીદે એસડીઆરએફની 15 સભ્યોની એક ટીમ મોટર બોટ સાથે રાહત અને બચાવ કામમાં જોતરવામાં આવી હતી. આ ઉપરાંત આણંદ નગરપાલિકાની એક મોટરબોટ અને બે અન્ય મોટરબોટ બોરસદ ખાતે પહોંચતી કરીને અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી દિવસ દરમિયાન હાથ ધરાઇ હતી.

જિલ્લા કલેકટર  પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ બોરસદ શહેરી વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે બોરસદ પ્રાંત અધિકારી દ્વારા તાકીદે પગલાં ભરી વન તળાવ પાસેના વિસ્તારમાંથી 200 જેટલા લોકોનું સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતર કરાયેલ આ લોકોને બપોરનું ભોજન પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યું હતું અને તેમના રાત્રિના ભોજનની પણ વ્યવસ્થા શેલ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી બોરસદ દ્વારા જણાવાયું હતું.

સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી પડેલો વરસાદ

તાલુકો

વરસાદ (મીમી)

બોરસદ

૩54

ખંભાત

102

તારાપુર

92

આંકલાવ

94

પેટલાદ

48

સોજિત્રા

29

આણંદ

16


Google NewsGoogle News