અડાજણના અનમોલ બલ્ક કેરીયરના માલિકનું કારસ્તાન: SBIમાંથી લીધેલી રૂ. 4.65 કરોડની લોન સામે મોર્ગેજ ઓલપાડની જમીન બારોબાર વેચી દીધી
- રૂ. 1.35 કરોડની કેશ ક્રેડિટ લોન અને ટ્રક ખરીદવા રૂ. 3.30 કરોડની લોન લીધી હતીઃ હપ્તા તો ભર્યા નહીં પરંતુ મોર્ગેજ મિલકત પણ વેચી કાઢી
સુરત
સચિન જીઆઇડીસીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી કેશ ક્રેડિટ અને ટ્રક ખરીદી માટે લીધેલી રૂ. 4.65 કરોડની લોનના હપ્તા સમયસર ભરપાઇ નહીં કરવા ઉપરાંત ઓલપાડની મોર્ગેજ મુકેલી જમીન બારોબાર વેચી દઇ બેંક સાથે છેતરપિંડી કરનાર અનમોલ બલ્ક કેરીયર નામના ટ્રાન્સપોર્ટર વિરૂધ્ધ સચિન જીઆઇડીસી પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
સચિન જીઆઇડીસીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાંથી અનમોલ બલ્ક કેરીયરના નામના ટ્રાન્સપોર્ટના માલિક ઝીયાદ અહેમદ ઝુલ્ફીકાર શેખ (રહે. એફ/2/102, 103 સ્નેહ સ્મૃતિ શોપીંગ સેન્ટર, અડાજણ પાટિયા, સુરત) એ વર્ષ 2010 માં ર. 1.35 કરોડની કેશ ક્રેડિટ લોન અને રૂ. 3.30 કરોડ ટ્રક ખરીદવા માટે લોન લીધી હતી. લોન માટે ઝીયાદે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના રે. સર્વે નં. 15/1, 15/2 અને 829/એ ના બ્લોક નં. 841/એ વાળી જમીન તથા પ્લોટ નં. 2 થી 7 અને અડાજણના રવિન્દ્ર પાર્ક કો-ઓપરેટીવ હા. સોસાયટી લિ.ના ડી-કોમ્પ્લેક્ષનો ફ્લેટ નં. 501 મોર્ગેજ કર્યો હતો. ઝીયાદે શરૂઆતમાં હપ્તા ભરપાઇ કર્યા બાદ હપ્તા નહીં ભરતા લોન એકાઉન્ટ એન.પી.એ થઇ ગયું હતું. જેથી બેંક દ્વારા સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી નોટીસ પણ ફટકારી હતી. બીજી તરફ બેંક દ્વારા નિયમાનુસાર મોર્ગેજ મિલકતની ચકાસણી પણ કરવામાં આવે છે જે અંતર્ગત જાણવા મળ્યું હતું કે ઓલપાડની જમીન બેંકમાં મોર્ગેજ હોવા છતા ઝીયાદે બારોબાર ત્રાહિત વ્યક્તિને વેચાણ કરી દીધી હતી.