પોલીસે ફાયરિંગ કરીને પકડેલા 22લાખના દારૃના બૂટલેગરને વધુ બે દિવસ રિમાન્ડ,દમણથી દારૃ મંગાવ્યો હતો
વડોદરા પાસે દરજીપુરામાં દારૃની હેરાફેરી દરમિયાન પોલીસે ફાયરિંગ કરીને પકડેલા રૃ.૨૨ લાખના દારૃના કેસના બુટલેગર જુબેર મેમણને વધુ બે દિવસ રિમાન્ડ પર લેવાયો છે.
દરજીપુરા વિસ્તારમાં મોડીરાતે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી બે રાઉન્ડ ફાયરિંગ કરીને રૃ.૨૨ લાખના દારૃ,વાહનો અને મોબાઇલ મળી કુલ રૃ.૬૮ લાખના મુદ્દા માલ સાથે ત્રણ ખેપિયાને પકડયા હતા.હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ કારેલીબાગના પીઆઇ હરિત વ્યાસને અપાઇ હતી.
પોલીસે ત્રણ દિવસ પહેલાં જુબેરને તારાપુર ખાતેથી ઝડપી પાડયો હતો અને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જે દરમિયાન તેણે વાપીના બૂટલેગર પાસેથી દમણનો દારૃ મંગાવ્યો હોવાની અને ખેડા જિલ્લામાં તેની ડિલિવરી આપવાની હોવાની વિગતો ખૂલી છે.
દારૃના નેટવર્ક વિશે વધુ માહિતી મેળવવા કારેલીબાગ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.પોલીસ પર હુમલો થયો ત્યારે સ્થળ પરથી જુબેર જે કારમાં ભાગ્યો હતો તે કાર પણ પોલીસે કબજે લીધી છે.
દારૃની રેડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે ઉતાવળે ફાયરિંગ કર્યું
તપાસ અધિકારી દ્વારા રેડ કરનાર અધિકારીનું નિવેદન લેવાશે
દારૃની રેડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફાયરિંગ કરવામાં ઉતાવળ થઇ ગઇ હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ,દારૃનું કન્ટેનર ઉભું હતું અને કેટલાક વાહનો દારૃ માટે આવ્યા હતા.જે દરમિયાન દરોડો પડતાં ખેપિયાઓ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે ફાયરિંગ કર્યું હતું.
જો કે,પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હોવા છતાં કન્ટેનર પર ગોળીના નિશાન મળ્યા હતા.જે અંગે ફરિયાદ કરનાર અધિકારીએ કોઇ વિશેષ સ્પષ્ટતા કરી નહતી.વળી પોલીસને સ્થળ પરથી પથ્થરો પણ મળ્યા નહતા.જેથી પોલીસે ઉતાવળે ફાયરિંગ કર્યું હોવાનું જણાઇ આવતું હોવા છતાં આ ફાયરિંગ યોગ્ય રીતે કરાયું હોવાનું પુરવાર કરવા તપાસ અમલદાર દ્વારા ફરિયાદ પક્ષનો જવાબ લેવામાં આવનાર છે.