પોલીસે પીછો કરતા બુટલેગર કાર મૂકી ફરાર : વિદેશી દારૃનો જથ્થો પકડાયો
ગાંધીનગર શહેર નજીકના માધવગઢ પાસે
ચિલોડા પોલીસ દ્વારા ૨.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કરીને ફરાર બુટલેગરને શોધવા દોડધામ શરૃ કરાઇ
ગુજરાતમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ આ દારૃને પકડવા માટે
મથી રહી છે ત્યારે ચિલોડા પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર પરમાર દ્વારા સ્ટાફના માણસોને આ
દિશામાં કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં
હતી તે સમયે બાતમી મળી હતી કે,
એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે અને તે કાર હાલ માધવગઢથી સાદરા તરફ જઇ
રહી છે. જેથી પોલીસની ટીમ બાતમી મળતા તે દિશામાં પહોંચી હતી અને રોડ વચ્ચે વોચમાં
ગોઠવાઇ ગઇ હતી. જ્યારે બાતમી મુજબની કાર આવતા તેને રોકવાનો ઇશારો કરતા ચાલકે કાર
ભગાડી મુકી હતી.જેથી પોલીસે પણ પોતાના વાહન રેનોલ્ટ કારની પાછળ દોડાવ્યા હતા.
જ્યારે થોડે આગળ જતા કાર અંધારામાં પડેલી જોવા મળી હતી, જ્યારે તેનો ચાલક
અંધારાનો લાભ લઈ ખેતરના રસ્તેથી ભાગી ગયો હતો. કારની તપાસ કરતા પાછળની સીટમાં કપડુ
ઢાંકવામાં આવ્યુ હતુ અને તેન હટાવતા નીચેથી દારૃ ભરેલી પેટીઓ જોવા મળી હતી. જેથી
પોલીસે તમામ દારૃ અને બિયરની ગણતરી કરતા કુલ ૪૮૦ બોટલ દારૃ અને બિયર કિંમત ૫૬,૭૮૪ મળી આવ્યા
હતા. જેથી પોલીસે દારૃ અને કાર સહિત ૨,૫૬,૭૮૪ લાખની
કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો, જ્યારે ફરાર કાર
ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.