Get The App

વડોદરામાં નિઝામપુરા અતિથિગૃહનું બુકિંગ કરવાની શરૂઆત : ભાડું વધુ હોવાથી તે ઘટાડવાની માગણી કરાશે

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
વડોદરામાં નિઝામપુરા અતિથિગૃહનું બુકિંગ કરવાની શરૂઆત : ભાડું વધુ હોવાથી તે ઘટાડવાની માગણી કરાશે 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિઝામપુરા વિસ્તારમાં 3.82 કરોડના ખર્ચે બનાવેલા અતિથિગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ તા.18થી અતિથિ ગૃહનું ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર મધ્યમ અને ગરીબ વર્ગનો હોવાથી અતિથિગૃહનું ભાડું વધુ હોવાથી તે ઘટાડવાની માગણી કરવામાં આવી છે.

વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ ભાડું તથા ડિપોઝિટ અને અતિથિ ગૃહના ઉપયોગ માટેના નિયમો મંજૂર કરવામાં આવ્યા છે. જીએસટી સહિત અતિથિગૃહનું ભાડું 33,040 અને ડિપોઝિટ 35,000 રાખવામાં આવી છે. વિસ્તારના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટર દ્વારા અગાઉ અતિથિગૃહનું ભાડું 20000 અને ડિપોઝિટ 25000 રાખવા માંગણી કરી હતી. તેમના કહેવા મુજબ સમગ્ર સભામાં આ દરખાસ્ત મંજૂરી માટે આવશે ત્યારે ભાડું અને ડિપોઝિટ ઘટાડવા માટેની દરખાસ્ત મુકવામાં આવશે. ડિપોઝિટમાંથી ગેસ બિલ, લાઈટ બિલ અને સફાઈ ચાર્જ કાપીને પરત કરવામાં આવશે, એટલે સરવાળે અતિથિગૃહ લોકોને પરવડી શકે નહીં. આ અતિથિ ગૃહની લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા અને લોકો તેનો ઉપયોગ કરી શકે તે મુજબ ભાડું રાખવું જોઈએ. ચાર લોકોને આજે બુકિંગ માટે મોકલ્યા હતા. જેમાંથી બે જણાએ બુકિંગ કરવાનું મુલતવી રાખ્યું છે. તેમના કહેવા મુજબ સંગીત વગાડવા માટે જે શરત મંજૂર કરવામાં આવી છે, તેમાં હોલમાં ગરબા કરવાની મનાઈ રાખી છે, તેમજ સાંભળી શકાય તેવી સાદી માઈક સિસ્ટમ અને હળવું સંગીત રાખવાની છૂટ આપી છે. મ્યુઝિક ઓરકેસ્ટ્રા અને ડીજેનો ઉપયોગ કરવાની ના પાડી છે,  બેન્ડ પણ નહીં વગાડી શકાય તેવી શરત રાખી છે. લગ્ન પ્રસંગ હોય એટલે લોકો મ્યુઝિક ઓર્કેસ્ટ્રા અને ડીજે અને બેન્ડ વગાડવાના તો છે જ. આ શરત જોઈને એક જણાએ બુકિંગની ના પાડી છે. દરમિયાન જાણવા મળ્યા મુજબ તારીખ 10 માર્ચ 2025 પહેલાં જે કોઈના પ્રસંગો હશે અને તે બુકિંગ કરાવવા આવશે તો વહેલા તે પહેલા ના ધોરણે બુકિંગ કરાશે. 10 માર્ચ પછીના પ્રસંગો હશે તો ડ્રો સિસ્ટમ મુજબ બુકિંગ થશે.


Google NewsGoogle News