કરોડોના ક્રિકેટના સટ્ટામાં વોન્ટેડ બુકી પોપટ બંધુની અંતે ધરપકડ

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
કરોડોના ક્રિકેટના સટ્ટામાં વોન્ટેડ બુકી પોપટ બંધુની અંતે ધરપકડ 1 - image


સામેથી હાજર થયાની ચર્ચા, ક્રાઈમ બ્રાંચનો ઝડપી લીધાનો દાવો મૂળ ગોવાના અને હાલ સંભવતઃ દુબઈથી વહીવટ કરતા ચંદ્રેશ નામના બુકી પાસેથી ID મેળવ્યાની કબુલાત

 રાજકોટ, : રાજકોટના ઈતિહાસમાં સૌથી મોટા ક્રિકેટના સટ્ટામાં ફરાર બે બુકીઓ નિરવ દિપક પોપટ (ઉ.વ. 32) અને તેના ભાઈ અમિત ઉર્ફે મોન્ટુ (ઉ.વ. 37) (રહે. બંને શિવ સંગમ સોસાયટી, 150 ફૂટ રીંગ રોડ)ની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ બંને બુકીઓ સામેથી હાજર થયાની ચર્ચા વચ્ચે ક્રાઈમ બ્રાંચે તેમને ઝડપી લીધાનો દાવો કર્યો છે.  ક્રાઈમ બ્રાંચના સૂત્રોનું કહેવું છે કે બંને આરોપીઓ મુંબઈ તરફ ભાગી ગયા હતા. જયાંથી પોતાના ઘરે આવી રહ્યાની ચોકકસ બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યા છે ! 

રાજકોટના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટના સટ્ટાના આ રેકેટમાં ક્રાઈમ બ્રાંચે જે તે વખતે ત્રણ બુકીઓ પાસેથી બે માસ્ટર આઈડી મેળવી હતી. આ બે પૈકીની એક માસ્ટર આઈડી આપનાર તરીકે પોપટ બંધુઓના નામ ખુલ્યા હતા. ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે પુછપરછમા પોપટ બંધુઓએ એવી કબુલાત આપી છે કે ચેરીબેટ નામની આ આઈડી દોઢેક વર્ષ પહેલા ગોવામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતાં અને હાલ સંભવતઃ દુબઈથી વહીવટ કરતા ચંદ્રેશ નામના બુકી પાસેથી મેળવી હતી. 

ત્યારબાદ આ આઈડી અગાઉ પકડાયેલા સુકેતુ ભુતા નામના બુકીને આપી દીધી હતી. જેતે વખતે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા ચેરીબેટ નામની આ આઈડીમાંથી કુલ રૂ. 19.98 કરોડના વહેવારો મળી આવ્યા હતા. એટલું જ નહીં આ આઈડી સાથે સંકળાયેલા 14 પેટા બુકી અને પંટરોના નામો પણ મળ્યા હતા. 

આ પ્રકરણમાં જેતે વખતે ક્રાઈમ બ્રાંચે ત્રણ બુકીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ ગઈકાલે પોપટ બંધુઓની એક સાથે બંને ગુનામાં ધરપકડ કરી હતી. તે સાથે જ ધરપકડનો આંક હવે પાંચ ઉપર પહોંચ્યો છે. જોકે હજુ તેજશ રાજુ રાજદેવ નામનો ત્રીજો બુકી વોન્ટેડ છે. તેની તપાસ ચાલુ હોવાનું ક્રાઈમ બ્રાંચના સૂત્રો જણાવી રહ્યા છે. એટલું જ નહીં ટૂંક સમયમાં તે પણ સકંજામાં આવી જાય તેવી શકયતા દર્શાવી છે. ગઈકાલે પોપટ બંધુઓની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાંચે બંનેના મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. 


Google NewsGoogle News