Get The App

પાટનગરમાં ઠંડા પવન વચ્ચે હાડ થીજાવતી ઠંડી : લઘુતમ ૧૦.૧ ડિગ્રી

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
પાટનગરમાં ઠંડા પવન વચ્ચે હાડ થીજાવતી ઠંડી : લઘુતમ ૧૦.૧ ડિગ્રી 1 - image


તાપમાનના પારામાં સતત થઈ રહેલા ઘટાડાથી

દિવસ અને રાત્રિનું તાપમાન એક થી દોઢ ડિગ્રી ઘટયું : આક્રમક ઠંડીનો અનુભવ કરતાં નગરજનો

ગાંધીનગર :  સમગ્ર રાજ્યમાં શિયાળાની મોસમ જામી હોય તે પ્રકારે ડિસેમ્બર માસના દિવસોમાં લોકોને ઠંડી અનુભવવા મળી રહી છે. આમ તો ઘણા દિવસથી વાતાવરણમાં થયેલા ફેરબદલના પગલે ઠંડીનું પ્રમાણ ધીમેધીમે તીવ્ર થઈ રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ અનુભવવા મળી હોય તે પ્રકારે ઘણા દિવસથી સવારથી સાંજ સુધી નગરજનોને ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે મંગળવારે ઠંડા પવનની વચ્ચે  ગાંધીનગરમાં સીઝનની સૌથી વધુ ૧૦.૧ ડીગ્રી ઠંડીનો પારો નોંધાયો છે.

સમગ્ર રાજ્યમાં થોડા દિવસ અગાઉ બદલાયેલા હવામાનના પગલે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો હતો.જેની અસર પાટનગર ઉપર પણ વર્તાઈ હતી. બીજી તરફ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થવાથી પાટનગરવાસીઓ ઠંડીનો સામનો કરી રહ્યા છે.તો ફરીથી વાતાવરણમાં પલટો થવાના કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઈ રહી છે.જેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી રહી છે.હાલમાં ડિસેમ્બર માસના બીજા સપ્તાહમાં આક્રમક ઠંડીની મોસમ જામી હોય તે પ્રકારે ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે ઠંડીએ પણ જોર પકડયું હોય તે પ્રકારે તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા મંગળવારે સીઝનનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે.સવારનું તાપમાન ૧૦.૧ ડિગ્રીએ જ્યારે સાંજનું તાપમાન ૨૭ ડિગ્રી આવીને અટકી ગયું છે. ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થવાના કારણે નગરજનો આક્રમક બની રહેલી ઠંડીમાં થરથરી રહ્યા છે. જેની અસર નગરજનોને દિવસ દરમિયાન અનુભવવા મળી  રહી છે.દિવસ અને રાત્રિના તાપમાનમાં ૧૭ ડિગ્રીનો તફાવત નોંધાવા છતાં ઠંડીનું આક્રમણ યથાવત રહેવા પામ્યું છે.ત્યારે સીઝનની સૌથી વધુ પડેલી ઠંડીમાં ખુલ્લામાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારો તથા પશુ પક્ષીઓની હાલત કફોડી બની જવા પામી છે.આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ પાટનગરવાસીઓને સીઝનની સૌથી વધુ ઠંડીનો સામનો મંગળવારે કરવો પડયો હતો.

આક્રમક બની રહેલી ઠંડીની અસર જનજીવન ઉપર જોવા મળી

રાજ્યના પાટનગરમાં ડિસેમ્બર માસના દિવસોમાં ઠંડી આક્રમક બની હોય તે પ્રકારે છેલ્લા ઘણા દિવસથી અનુભવવા મળી રહ્યું છે. ત્યારે અચાનક ઠંડી પડતા પાટનગરના જનજીવન ઉપર પણ તેની અસર જોવા મળી છે. બીજી તરફ તાપમાનના પારામાં સતત ઘટાડો થવાના કારણે મંગળવારે ઠંડીનો પારો ૧૦.૧ ડિગ્રી આવીને અટકી જતા નગરજનોને આ વર્ષે શરૃ થયેલી શિયાળાની મોસમની સૌથી વધુ ઠંડીનો અહેસાસ કરવો પડયો છે. તો સમગ્ર દિવસ દરમિયાન ઠંડીની સામે સુરક્ષા મળી શકે તે માટે ગરમ વોમાં અવરજવર કરવાનું મુનાસિફ માની રહ્યા છે.

ઠંડીના પગલે માર્ગો ઉપર કર્ફ્યુ જેવો માહોલ

ગાંધીનગર શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડીનો પારો ગગડી જતા તેની અસર શહેર ઉપર પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ આક્રમક બની રહેલી ઠંડીમાં નગરજનો પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના પગલે દિવસ અને રાત્રિના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. જેથી સમગ્ર શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ અનુભવવા મળી રહ્યો છે.


Google NewsGoogle News